Western Times News

Gujarati News

ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર બન્યા

નવીદિલ્હી: દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. ૧૯૮૪ બેંચના ભારતીય પોલીસ સેવાના અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક પામ્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. ગૃહમંત્રાલયે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. અત્યારે તેઓ બીએસએફના ડીજી ઉપરાંત એનસીબીના વડા છે. અસ્થાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.

રાકેશ અસ્થાનાએ બીએસએફમાં રહી અનેક મોટાં ઓપરેશનનું નેતૃત્વ કરેલું છે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ તથા દેશનાં અનેક રાજ્યોમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોનું સુકાન સંભાળી અનેક મોટાં ઓપરેશન કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સીબીઆઇના ડાયરેક્ટરના નામ પર પણ રાકેશ અસ્થાનાની ચર્ચા હતી. દિલ્હી પોલીસ બહારના કોઈ કેડરના આઇપીએસની પોલીસ કમિશનર તરીકે નિમણૂક એટલા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે, કારણ કે એસએસ જાેગ અને અજયરાજ શર્મા બાદ અસ્થાના ત્રીજા એવા પોલીસ કમિશનર છે, જે બહારના કેડર છે.

સરકારે ૩૦ જૂનના રોજ એસએન શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ તરીકેની વધારાની જવાબદારી સોંપી હતી. હવે અસ્થાનાની નિમણૂક કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અસ્થાના ગુનાહિત તપાસ માટે જાણીતા છે. તેમણે છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો પર્દાફાશ કરવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે.

રાકેશ અસ્થાના ૧૯૮૪ બેંચના આઇપીએસ અધિકારી છે, જેઓ અત્યારે બીએસએફના ડીજી અને એનસીબીના વડા છે. રાકેશ અસ્થાના એ અધિકારી છે, જેમની દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે એફઆઇઆર દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના સીબીઆઇમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે તેમ જ સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતી વખતે આસારામ સંત કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે એ સમયના સીબીઆઇ વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે વિવાદે વ્યાપક ચર્ચા સર્જાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.