ટ્રાફિકના આકરા દંડમાં બાંધછોડ કરવા સરકાર તૈયાર હોવાના સંકેત
નવી દિલ્હી : વાહન વહેવારના નિયમોના ઉલ્લંઘન માટે ભારે દંડની જોગવાઇઓએ રાજય સરકારો માટે રાજકીય સંકટ ઉભું કરી દીધું છે તો કેન્દ્ર માટે અસહાય સ્થિતી પેદા કરી છે. આ જ કારણ છે કે ફકત કોંગ્રેસ સરકારો જ નહી પણ ભાજપાની રાજય સરકારોએ તેમાં તાત્કાલીક ફેરફાર કરવાની કસરતો ચાલુ કરી દીધી છે. જયારે કેન્દ્ર તરફથી પણ તેમાં છૂટછાટના સંકેતો આવવા લાગ્યા છે. અને તે કહેવા લાગ્યું છે કે રાજયો પોતાના સ્તરે તેમાં કેટલાક ફેરફાર કરી શકે છે.
મધ્ય પ્રદેશ અને પંજાબે તેને ડાયરેકટ અમલી બનાવવાની ના પાડી છે અને કહયું છે કે તે આનો અભ્યાસ કરી રહ્યા છે. તો ઉતરાખંડે કેબિનેટ મીટીંગ બોલાવીને કેટલાક દંડને બદલવાનો નિર્ણય કર્યો છે. જયારે ઝારખંડ સરકારે બીજા રાજયોમાં ચાલી રહેલી કસરત ઉપર નજર રાખવાના આદેશ આપ્યા છે. એ તો સ્પષ્ટ છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર તો ટૂંક સમયમાં જ થશે. હિમાચલ પ્રદેશમાં હજુ તેને અમલમાં નથી મુકાયો અને માનવામાં આવે છે કે ત્યાં પણ કેબિનેટ દ્વારા ફેરફાર કરાયા પછી તેને લાગુ કરાશે. હરિયાણામાં શરૂઆતમાં તો તે લાગુ થયો પણ પછી અનૌપચારિક રીતે પોલીસને નિર્દેશ આપી દેવાયા છે કે, મોટા દંડ ન કરે. જયારે મહારાષ્ટ્રમાં નવા કાયદાને સ્થગિત કરાયો છે.
કેન્દ્રની ભાજપા સરકાર માટે આ અસહ્ય સ્થિતી છે, કેમ કે બહુ મથામણ કરીને તેને સંસદમાં પાસ કરાવાયો હતો. વિપક્ષો તરફથી તેને સ્થાયી સમિતિમાં મોકલવાનું દબાણ હતું. એવું જણાવાઇ રહયુ છે કે પહેલાની મીટીંગોમાં ભાજપાની બધી રાજય સરકારોએ ટેકો આપ્યો હતો. પણ હવે જનતાના રોષને જોતા બધા મુંઝવણમાં છે. રાજયોની મજબુરી પણ હવે કેન્દ્રને સમઝાઇ રહી છે. આજ કારણ છે કે કેન્દ્રએ કહયું છે કે રાજયો ઇચ્છે તો તેમાં ફેરફાર કરી શકે છે. ઉત્તરાખંડ સરકારે ફેરફારો કર્યા છે. જયારે મહારાષ્ટ્રએ ઔપચારિક રીતે અને હરિયાણાએ અનૌપચારિક રીતે તેને રોકી દીધો છે.