દેશમાં કોરોના વેક્સિનની તંગી – વેકસીન વેડફાટમાં બિહાર અવ્વલ

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૪૫ કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન વેક્સિન વેસ્ટેજનો મુદ્દો ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં જવાબ આપવામાં આવ્યો છે કે જુલાઈ સુધી સૌથી વધારે વેક્સિન વેસ્ટેજ બિહારમાં થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં જાણકારી આપવામાં આવી છે કે ૧ મે ૨૦૨૧થી ૧૩ જુલાઈ સુધી દેશમાં લગભગ અઢી લાખ વેક્સિનના ડોઝ ખરાબ થયા છે.
જે રાજ્યોમાં વેક્સિન ખરાબ થઈ ગઈ છે તેમાં બિહાર, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર અને મેઘાલય છે. બિહારમાં ૧.૨૬ લાખ, દિલ્હીમાં ૧૯ હજાર, જમ્મુ-કાશ્મીરમાં ૩૨ હજાર, મણિપુરમાં ૧૨ હજાર, મેઘાલયમાં ૩૫૦૦, પંજાબમાં લગભગ ૧૩ હજાર, ત્રિપુરામાં ૨૭ હજાર અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૩ હજાર વેક્સિન ખરાબ થઈ છે. સરકાર દ્વારા આ રાજ્યો ઉપરાંત ગુજરાત કે કોઈ અન્ય રાજ્યના વેક્સિન વેસ્ટેજના આંકડા નથી આપવામાં આવ્યા.
સરકાર દ્વારા અત્યાર સુધી તમામ રાજ્યોને લગભગ ૪૨ લાખ એક્સ્ટ્રા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે દેશમાં અત્યાર સુધી વેક્સિનના કુલ ૪૫,૦૭,૦૬,૨૫૭ ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનેશનના મામલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો આગળ ચાલી રહ્યા છે. વેક્સિનની બરબાદીને લઈને અનેકવાર રાજકીય નિવેદનબાજી પણ થઈ છે. બીજેપી દ્વારા રાજસ્થાન, છત્તીસગઢ પર વેક્સિન વેસ્ટજનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આવામાં જ્યારે કેન્દ્ર સરકારે આ વેક્સિન વેસ્ટેજવાળા રાજ્યોની જાણકારી આપી, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આના પર ટિપ્પણી કરી. અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોઈ વેક્સિન ડોઝ બરબાદ નથી થયા, પરંતુ ૧૩ જુલાઈ સુધી ૨.૪૬ લાખ વેક્સિન ડોઝ અતિરિક્ત લગાવવામાં આવ્યા છે. આ એ લોકો માટે સખ્ત જવાબ છે જેમણે વેક્સિનના વેડફાટના ખોટા આરોપો લગાવીને અમારા હેલ્થ વર્કર્સનું મનોબળ તોડ્યું છે.