જામનગરના ખીજડીયા બાયપાસ પર બે ટ્રક સામસામે અથડાતા બે યુવકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/accident-1.jpg)
Files Photo
જામનગર: જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે. બનાવ એટલો ભયાનક હતો કે બંને મૃતકો બંને ટ્રક વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી બંને મૃતદેહને બહાર કાઢી, રોડ પર ફસાઈ ગયેલા વાહનોને અલગ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે ખીજડીયા બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ધડાકાભેર બંને ટ્રક સામસામે અથડાતા બાયપાસ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને ટ્રકના મોરા સામસામે ટકરાતા એકબીજા સાથે જાેઈન્ટ થઇ ગયા હતા. આ બનાવમાં બે યુવાનોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયરની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંન્ને વાહનોને અલગ કરી બંને મૃતકોને બહાર કાઢ્યા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. મૃતકોની ઓળખ અને બનાવના કારણ સહિતની વિગતો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.