જ્હોની વોકરે જીવનમાં ક્યારેય દારુને હાથ નહોતો લગાડ્યો
મુંબઈ: ૫૦-૬૦ના દાયકા દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હાસ્ય કલાકાર જાેની વોકરનું સાચું નામ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી હતું. લાંબા સમય સુધી દર્શકોને હસાવનારા જાેનીએ ૨૯ જુલાઈ ૨૦૦૩ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. કહેવાય છે કે કોઈને રડાવવું સહેલું છે, પરંતુ રડતી વખતે કોઈને હસાવવું બહુ મુશ્કેલ છે.
પરંતુ જાેની વોકરની અદા જ એવી હતી કે લોકો તેમને જાેઇને જ હસવા લગતા હતા. લગભગ ૩૦૦ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બદરુદ્દીનની જાેની વોકર બનવાની યાત્રા પણ ફિલ્મી નથી. ૧૧ નવેમ્બર ૧૯૨૬ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલા બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝીના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા. બદરૂદ્દીન પણ તેમના પિતાની મદદ કરતા હતા,
પરંતુ કોઈ કારણોસર ફેક્ટરી બંધ થઈ ગઈ. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આખું કુટુંબ ઈન્દોરથી મુંબઈ આવી ગયું હતું. બદરૂદ્દીનના પિતાને ઓળખતા પોલીસ ઈન્સ્પેક્ટરની ભલામણથી તેને બસ કંડક્ટરની નોકરી પણ મળી. કહેવાય છે કે માયાનગરીએ ઘણા લોકોની કિસ્મત બદલી નાંખી છે.
તેમાંથી એક જાેની વોકર પણ હતા. બસ કંડક્ટર બદરૂદ્દીન પોતાની અનોખી અદામાં ટિકિટ કાપી મુસાફરોનું મનોરંજન કરતો હતો.
આ જાેઈને તે જમાનાના પ્રખ્યાત અભિનેતા બલરાજ સાહનીને ખુબ મજા આવી. આ દિવસોમાં ગુરુદત્ત તેમની ફિલ્મ ‘બાજી’ની તૈયારીમાં વ્યસ્ત હતા. તેઓ એક પાત્ર માટે અભિનેતાની શોધમાં હતા. ત્યારે બલરાજે બસ કંડક્ટરનો ગુરુ દત્ત સામે ઉલ્લેખ કર્યો. જ્યારે ગુરુદત્ત તેમને મળ્યા અને તેમને શરાબીની જેમ અભિનય કરતા જાેયા, ત્યારે તેમને અભિનય ખૂબ ગમ્યો.
આમ તેમને ‘બાજી’ ફિલ્મમાં કામ મળ્યું હતું. આ ફિલ્મમાં દેવ આનંદ અને ગીતા બાલી મુખ્ય ભૂમિકામાં હતા. કહેવાય છે કે, બદરૂદ્દીન નામ જામતું ન હોવાથી ગુરુદત્તે વિખ્યાત વ્હિસ્કી બ્રાન્ડ જાેની વોકર પરથી તેમનું નામ પાડ્યું હતું. કહેવાય છે કે ગુરુદત્ત જાેનીને એટલા પસંદ કરતા હતા કે તેઓ તેમની ફિલ્મોમાં ખાસ જાેની માટે ભૂમિકા રાખતા હતા.