યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પણ કોરોના પોઝિટિવ, કુલ ૩ ખેલાડી સંક્રમિત
કોલંબો: ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝ રમવા ગઈ હતી. ગુરૂવારે રમાયેલી અંતિમ ટી૨૦ મેચમાં ભારતને ૭ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે શ્રીલંકાએ સીરીઝ પર ૨-૧થી જીતી લીધી. કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ થયા બાદ વધુ ૮ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને સીરીઝની અંતિમ બે મેચ નહોતા રમી શક્યા. પરંતુ હવે રિપોર્ટ આવી રહ્યા છે કે વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે.
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. નવા ટેસ્ટ બાદ આ પરિણામ આવ્યા છે. આ પહેલા પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, મનીષ પાંડે, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ અને દીપક ચાહરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. કૃણાલ પંડ્યાની આ ખેલાડીઓ સાથે સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી. ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકાથી રવાના થશે. આઇસોલેશનમાં રહેનારા અન્ય ખેલાડીઓ હાર્દિક, પૃથ્વી, સૂર્યકુમાર, મનીષ, દીપક ચાહર અને ઈશાનના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેઓ પણ ટીમની સાથે ભારત આવશે.
શ્રીલંકા સરકારના પ્રોટોકોલ મુજબ, પોઝિટિવ આવનારા ખેલાડીઓને ૧૦ દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. ત્યારબાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ દેશ છોડી શકાય છે. સંપર્કમાં આવનારા વ્યક્તિઓને ૭ દિવસ આઇસોલેશનમાં રહેવાનું હોય છે. યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમના કોરોના પોઝિટિવ રિપોર્ટ શુક્રવારે આવ્યો છે. આવી સ્થિતિમાં તેમને આગામી ૧૦ દિવસ સુધી શ્રીલંકામાં જ રહેવું પડશે.
બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડમાં યોજાનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે પસંદગી થઈ હતી. પરંતુ શ્રીલંકામાં કોરોનાના કેસ આવ્યા બાદ બંને ખેલાડીઓને લઈને બોર્ડ તરફથી હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું. રિપોર્ટ મુજબ, તેમના સ્થાને બીજા ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે.