ગોતાના શિવમંદિરમાંથી ચાંદીનું છતર- રૂ.૧૦ હજાર રોકડની લૂંટ
અમદાવાદ: અમદાવાદના જગતપુર-વંદેમાતરમ રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-૨ના પરિસરમાં આવેલા શિવમંદિરમાં મોડી રાતે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. ૬ જેટલા ધાડપાડુઓ મોડી રાતે મંદિરમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી મંદિરમાંથી રૂ.૧૦,૦૦૦ની કિંમતનું ચાંદીનું છત્તર અને રૂ.૧૦,૦૦૦ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે સિક્યુરિટી ગાર્ડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સોલા વિસ્તારમાં રહેતા આશુતોષ શુક્લ પેંથર સિક્યુરિટીમાં નોકરી કરે છે. વંદેમાતરમ જગતપુર રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-૨ પરિસરમાં આવેલા શિવ મંદિરમાં નાઈટ શિફ્ટમાં નોકરી કરે છે. ૨૫ જુલાઈના રોજ રાતે રાબેતા મુજબ ૮ વાગ્યે તેઓ નોકરી પર આવ્યા હતાં. મંદિરના મહારાજ મંદિર બંધ કરી ગયા બાદ રાતે તેઓ બહાર ખુરશી નાંખી બેઠા હતા.
રાત્રે ૧ વાગ્યે અવાજ થતાની સાથે જ તેઓ ઉભા થઈ મંદિરમાં જાેવા જતા એક સાથે ૬ લોકો મંદિરમાં ઘુસી આવ્યા હતા.
ત્રણ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને પકડી લીધો અને દોરડા વડે બાંધી મોઢામાં ડૂચો ભરાવી માર માર્યો હતો. જ્યારે બાકીના ત્રણ શખ્સ મંદિરમાં આવેલા દરવાજા તરફ જઈ લોક તોડી અંદર ઘુસી ગયા હતા.
૧૫ મિનિટ બાદ ત્રણ શખ્સ પરત આવ્યા અને તમામ છ લોકો મંદિરમાંથી નાસી ગયા હતા. ગમે તેમ છૂટી તેઓએ આ અંગે પરિસરમાં રહેતા મહારાજને જાણ કરી હતી. મંદિરમાં રહેલા રોકડ રકમ અને ચાંદીનું છત્તર ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.