સીબીએસઈ ધોરણ-૧૨નું ૯૯.૩૭% પરિણામ જાહેર
નવી દિલ્હી: આજે સીબીએસઈ બોર્ડના ૧૨મા ધોરણના લાખો વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લિંક એક્ટિવ કરી દેવામાં આવી છે. આ વર્ષે ૧૨મા ધોરણમાં ૯૯.૩૭% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે ૯૯.૬૭% વિદ્યાર્થીનીઓ અને ૯૯.૧૩% વિદ્યાર્થીઓ પાસ થયા છે. દિલ્હી પ્રાંતમાં આ વર્ષે ૯૯.૮૪% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતનું રિઝલ્ટ ઈન્ટરનલ માર્કિંગ અને સીબીએસઈ દ્વારા નિર્ધારિત ફોર્મ્યુલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે ૧૨મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવા માટે ૩૧ જુલાઈ સુધીની ડેડલાઈન નક્કી કરી હતી. આ કારણે બોર્ડે ૧૦મા ધોરણની પહેલા ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, એક વારમાં એક જ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ કારણે ૧૦મા ધોરણના પરિણામની રાહ જાેઈ રહેલા વિદ્યાર્થીઓએ હજુ વધારે સમય રોકાવું પડશે.
વિદ્યાર્થીઓ પોતાનું સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ ડિજિલોકર, ઉમન્ગ એપ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જાેઈ શકશે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થીઓનો રોલ નંબર ડાઉનલોડ કરવાની લિંક પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. તે સિવાય વિદ્યાર્થીઓને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા રિઝલ્ટ મળી જશે.