દિલ્હીમાં ધમાધમ વરસાદ ચાલુ થતા લોકોને રાહત

Files Photo
નવી દિલ્હી: દિલ્હીમાં આ વખતે ચોમાસુ મોડું આવ્યું પરંતુ આ પછી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદે દિલ્હીવાસીઓને રાહત આપી છે જાેકે હવે તે આફત બનીને ડરાવી રહ્યો છે. શહેરના ઘણાં પોશ વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. ભારે વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ચોમાસામાં રસ્તાઓ પર પાણી ના ભરાય તે માટે દર વર્ષે નાળાની સફાઈ કરવામાં આવતી હોય છે પરંતુ ભારે વરસાદના લીધે તમામ પોલ ખુલી ગઈ છે. દિલ્હીમાં આજે તથા સોમવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે એટલે કે આજે અને સોમવાર માટે જાહેર કરવામાં આવેલા ઓરેન્જ એલર્ટ પ્રમાણે મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ચોમાસામાં અહીં અત્યાર સુધીમાં ૮૭% કરતા વધારે વરસાદ થઈ ગયો છે. જૂન અને જુલાઈ દરમિયાન રાજધાનીમાં ૪૮૭.૩ એમએમ વરસાદ થયો છે. આ સમયમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ૨૩૧.૭ એમએમ વરસાદ સામાન્ય માનવામાં આવે છે. દિલ્હીમાં રવિવાર અને મંગળવાર દરમિયાન વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ૫ ઓગસ્ટ સુધી સામાન્ય તાપમાન ૩૨-૩૩ ડિગ્રી રહેવાની સંભાવના છે. હથિની કુંડ બેરેજમાંથી ગુરુવારે સવારે એક સાથે યુમનામાં ૧,૦૩,૨૪૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેના કારણે જળ સ્તર ખતરના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
શુક્રવારે સાંજે ચાર વાગ્યે યમુનાનું જળસ્તર ૨૦૫.૪૮ મીટર હતું, જે ખતરના નિશાનથી ૦.૧૫ મીટર વધારે નોંધાયું હતું. ચોમાસા દરમિયાન રાજધાનીમાં વરસાદનું પાણી ના ભરાય તે માટે લાખોનો ખર્ચ કરવામાં આવે છે. પાછલા ૨ વર્ષમાં નોર્થ એમસીડીમાં નાળાની સફાઈ પાછળ ૧.૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પાછલા વર્ષે સફાઈ પાછળ ૮૦ લાખ અને આ વર્ષે ૬૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.