ભક્તોએ સાબરમતીમાં મૂર્તિ વિસર્જિત ન કરતાં મોટી રાહત
૭૦થી વધુ ક્રેઇન, સેંકડો કર્મચારીઓની મદદથી અમ્યુકો, પોલીસ તંત્રની મદદથી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણરીતે પૂર્ણ |
અમદાવાદ : દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકતો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નમ આંખો સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના વિસર્જન રેલી-સરઘસોને લઇ શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ જાવા મળ્યા હતા. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૧થી વધુ કૃત્રિમ જળાશયો(કુંડ) બનાવાયા હોઇ ત્યારે ગણેશભકતો દ્વારા મૂર્તિનું વિસર્જન તેમાં જ કરાયુ હતું.
અમ્યુકો તંત્ર દ્વારા આ વખતે દાદાની મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદીમાં નહી કરવાની શ્રધ્ધાળુઓને કડક તાકીદ કરી હોવા ઉપરાંત આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હોઇ આ વર્ષે દાદાની મૂર્તિઓનું સાબરમતી નદીમાં વિસર્જન નહી કરી નદીને સ્વચ્છ રાખી હતી.
જેને લઇ ખુદ મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પણ નગરજનોનો આભાર માન્યો હતો અને સાબરમતી રીવરફ્ર્ન્ટ પર હાજર રહ્યા હતા. શહેરમાં ૭૦થી વધુ ક્રેઇન અને સેંકડો કર્મચારીઓની મદદથી અમ્યુકો અને પોલીસ તંત્રના સહકારથી શ્રધ્ધાળુ ભકતોએ કૃત્રિમ જળાશયોના કુંડમાં ગણપતિ દાદાની મૂર્તિઓ પધરાવી તેનું ભારે ધાર્મિક આસ્થા સાથે વિસર્જન કર્યું હતુ.
ખુદ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નગરજનોની જાગૃતતાની સરાહના કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે નગરજનોએ ભારે જાગૃતતા દાખવી સાબરમતી નદીમાં દાદાની મૂર્તિઓ વિસર્જીત નહી કરી નદીને સ્વચ્છ રાખવાના આપણા સહિયારા અભિયાનને સફળ બનાવ્યું છે. તો, મૂર્તિઓ પર બુલડોઝર નહી ફેરવવા પણ તંત્ર દ્વારા અગાઉથી જ સૂચના અને તાકીદ કરી દેવાઇ છે કે જેથી શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થા કે લાગણી દુભાય નહી.
સાબરમતી નદી કાંઠે રિવફ્રન્ટ પાસે બહુ મોટા વિશાળ કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા છે, જેમાં નાની-મોટી થઇ એક હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન વેળાએ કેટલાક ગણેશભકતોની આંખો રીતસરની ભીની થઇ જતાં એક તબક્કે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.
દસ દિવસ સુધી પોતપોતાના વિસ્તારમાં વિશાળ પંડાલ-શામિયાણા, મંડપોમાં પૂજા-વિધી, આરતી, ભકિત-વંદના કર્યા બાદ આજે લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતોએ ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કર્યું, ત્યારે ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ ગુંજી ઉઠયા હતા.