Western Times News

Gujarati News

ગુજરાતમાં ૪.૩ ટકા લોકો નિયમિત રીતે દારૂનું સેવન કરે છે

નવીદિલ્હી: એમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ રાજ્યસભામાં દેશમાં નશા પર આધારિત લોકોનો એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતને લઈને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ભારતના રાજ્યોમાં કેટલા પ્રમાણમાં દારૂ પીવાઇ રહ્યો છે તેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે. આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા ૨૦૧૯ માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો.

આ ડેટા મુજબ ગુજરાતમાં ૪.૩ ટકા લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના ૪.૩ ટકા લોકો એટલે ૧૯.૫૩ લાખ લોકો એડિક્ટ છે. આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે. રાજસ્થાનમાં ૨.૩ ટકા લોકો દારૂનું વ્યસન ધરાવે છે – બિહારમાં ૧ ટકા લોકો દારૂનું વ્યસન ધરાવે છે. તો જમ્મુ કશ્મીરમાં ૪ ટકા જેટલો દારૂ પીવાય છે. જાે કે સમગ્ર દેશની સરેરાશ કાઢવામાં આવે તો એ ૧૭ ટકા જેટલી થાય છે. ૩૬.૫ લાખ લોકો દારૂ કે ડ્રગ્સના બંધાણી

આ સર્વેમાં કરવામાં આવેલા ચોંકાવનારા દાવાઓમાં એક દાવો એ પણ છે કે ગુજરાતમાં ૮ ટકા લોકો ડ્રગ્સ અને દારૂના બંધાણી છે. એટલે કે ૩૬.૫ લાખ લોકો આ પ્રકારના નશાઓ પર આધારિત થઈ ગયા છે. આમાં સર્વેમાં જાે કે તંબાકુનો સમાવેશ કરવામાં નથી આવ્યો. નહીં તો આપણો “માવો” તો બધા રેકોર્ડ્‌સ તોડી નાખે! એટલે કે આ ૮ ટકા લોકો માત્ર દારૂ કે ચરસ-ગાંજા કે અફીણ પર જ આધારિત છે.

ઓપોઇડ્‌સ એટલે કે અફીણ અને તેને લગતી બનાવટો પર આધારિત લોકોની સંખ્યા- ૧.૪૬ ટકા એટલે કે ૬.૬૪ લાખ છે.- ગાંજા કે ચરસના બંધાણીઓ- ૦.૮ ટકા એટલે કે ૩.૬૪ લાખ છે ઊંઘની ગોળીઓ કે સિડેટિવ્ઝ પર આધારિત લોકોની સંખ્યા – ૬.૨૮ લાખ એટલે કે વસ્તીના ૧.૩૮ ટકા લોકો જેટલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.