રૂપાણીએ વાળાના આશીર્વાદ લઈ જન્મદિનનો શુભારંભ કર્યો
રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. ૨ ઓગસ્ટ તેમના ૬૫મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી અને રાજકોટના પૂર્વ મેયર એવા વડીલ વજુભાઈ વાળાના વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવી કરી હતી. મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો ૬૫મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવશે.
વજુભાઇ વાળાએ આ પ્રસંગે ૬૫મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આજે વહેલી સવારે તેમના માર્ગદર્શક અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, લાખાભાઈ સાગઠીયા, અરવિંદ ભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ૬૫મા જન્મદિવસે શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શ્રીમતી અંજલીબહેન રૂપાણી ભગવાનના આર્શીવાદ લીધાં. પોતાના જન્મદિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરીને મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતીઓની સુખાકારી અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.