Western Times News

Gujarati News

રાજ્ય સરકારે નાગરિકોને લોકાભિમુખ વહિવટ અને વહિવટમાં પારદર્શિતાની પ્રતિતિ કરાવી છે

માહિતી બ્યુરો, પાટણ: રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મા કાર્ડના લાભાર્થીઓને ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે શૈક્ષણિક કીટ તથા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધા ત્યારે મારી સરકાર પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા એમ ચાર આધારસ્થંભ પર કામ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. જેને સાર્થક કરતાં રાજ્ય સરકાર માનવીય અભિગમ દાખવી નાગરિકોની મુશ્કેલીના નિરાકરણ માટે કામ કરી રહી છે.

સેવા સેતુ કાર્યક્રમોના આયોજન સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિવિધ સહાયના ફોર્મ ભરવા માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તંત્રના આટાપાટામાં હેરાન ન થવું પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમો થકી જરૂરિયાતમંદોને સામેથી વિવિધ યોજનાઓના લાભ એક સાથે એક સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી હેતુ રાજ્ય સરકારની ભૂમિકા દર્શાવતાં શ્રી જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં સંક્રમણ દર ઘટે, જરૂરી સારવાર સમયસર ઉપલબ્ધ બને તથા દવાઓ અને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે રાત દિવસ કામ કર્યું છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના જીવ ગુમાવવાના નુકશાનને ત્રીજી લહેરમાં ઘટાડી શકાય તે માટે રાજ્ય સરકારે આવશ્યક દવાઓના જથ્થા, હોસ્પિટલ્સ, વેન્ટીલેટર્સ સહિતનું આગોતરૂ આયોજન કર્યું છે.

વધુમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમ્યાન જે લોકોના જીવ બચાવી નથી શકાયા તેમના નિરાધાર બાળકો પ્રતિ સંવેદના દાખવી મુખ્યમંત્રીશ્રી દ્વારા બાળ સેવા યોજના તથા આફ્ટર કેર યોજનાનો અમલ કરી રાજ્ય સરકાર નોધારાનો આધાર બની છે.

વર્તમાન રાજ્ય સરકારની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, દિલ્હી બેસીને પણ પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની ચિંતા કરી છે. નર્મદા યોજનાથી લઈ સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા અનેક પ્રકલ્પો દ્વારા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઘરબાર છોડી પોતાનું જીવન ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને અગ્રીમ હરોળનું રાજ્ય બનાવ્યું અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુ્ખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ આ વિકાસયાત્રાને અવિરત રાખી રહ્યા છે.

રાજ્યનો આ વિકાસ કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલને આભારી છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્તમાન સરકાર દ્વારા ગૌવંશની હત્યા બદલ મૃત્યુદંડ, કોમી તોફાનો કરવા બદલ પાસા હેઠળ કાર્યવાહી, ધર્માંતરણ સામે રક્ષણ માટે લવ જેહાદ, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂતોની જમીન પચાવી પાડનારા તત્વો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના કાયદાઓના અમલીકરણ દ્વારા રાજ્યના નાગરિકો શાંતી, સલામતી અને સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે.

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે ઉજવણી નહીં પરંતુ લોકકલ્યાણના કાર્યો ઉજાગર કરી સરકાર લોકાભિમુખ વહિવટ અને વહિવટમાં પારદર્શિતાની પ્રતિતિ કરાવી રહી હોવાનું પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સાથે જ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પાટણ વતી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના’’ મંત્ર સાથે આયોજીત આ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોના વાયરસ મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાયના હુકમ ઉપરાંત વિવિધ લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ શાકમાર્કેટ ખાતે આયોજીત જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત લઈ અરજદારો પાસેથી પ્રતિભાવો મેળવ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ ગૃહ રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારી સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ થકી આપવામાં આવતી નાગરિકલક્ષી સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠન ઉપાધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ સુશ્રી સ્મિતાબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ ઉપરાંત રેન્જ આઈ.જી.શ્રી જે.આર.મોથલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.