ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફરી રેલ સેવા શરૂ, બાંગ્લાદેશ માટે પ્રથમ માલ ટ્રેન રવાના થઈ

નવીદિલ્હી: હલ્દીબારી ચિલહાટી રેલ માર્ગ પર ભારત બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ માલગાડી ટ્રેન એક ઓગસ્ટથી શરૂ થઈ છે. ભારતીય રેલવેએ?પૂર્વોત્તર સરહદ રેલવેના દુમદીમ સ્ટેશનથી બાંગ્લાદેશ માટે પથ્થરોથી ભરેલી પ્રથમ માલગાડીને લીલી ઝંડી આપી હતી.
૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ ભારત અને પૂર્વ પાકિસ્તાન (૧૯૬૫ સુધી) વચ્ચે ૭ રેલ લિંક કાર્યરત હતી. અત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૪ ઓપરેશનલ રેલ લિંક છે. આ ચાર રેલ લિંકમાં પેટ્રાપોલ (ભારત) – બેનાપોલ (બાંગ્લાદેશ), ગેડે (ભારત) – દર્શન (બાંગ્લાદેશ), સિંઘાબાદ (ભારત) – રોહનપુર (બાંગ્લાદેશ), રાધિકાપુર (ભારત) – બિરોલ (બાંગ્લાદેશ). હલ્દીબારી ચિલાહાટી રેલ લિંક એક એવો માર્ગ છે, જે ૧૯૬૫ સુધી કાર્યરત હતો. બંને દેશો ઈચ્છે છે કે, ૧૯૬૫ પહેલા બંને દેશો વચ્ચે ચાલતી તમામ રેલવે લિંક ફરીથી શરૂ થાય. જેથી આ રેલ લિંકને ફરી શરૂ કરવા માટે બંને દેશોના રેલવે દ્વારા તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માર્ગની પુનઃસ્થાપના બાદ ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ રેલ માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હલ્દીબારી ચિલાહાટી રેલ લિંક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૫મી રેલ લિંક છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૧થી શરૂ થઈ છે. આ રેલ માર્ગ દ્વારા ભારત પથ્થર, બોલ્ડર, અનાજ, તાજા ફળો, રાસાયણિક ખાતર, ડુંગળી, મરચા, લસણ, આદુ, ફ્લાય એશ, માટી, ચૂનાના પત્થર અને લાકડા વગેરે બાંગ્લાદેશમાં નિકાસ કરી શકશે. આ રેલ માર્ગ દ્વારા ભારત બાંગ્લાદેશ રેલ જાેડાણ અને દ્વિપક્ષીય વેપાર મજબૂત બનશે. જે પ્રાદેશિક વેપારમાં વૃદ્ધિને ટેકો આપવા અને પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસને ઉત્તેજીત કરવા માટે મુખ્ય બંદરો અને સૂકા બંદરો સુધી રેલ નેટવર્કની પહોંચ વધારશે.