રાઘવ પ્રોડ્યુ. એનહેન્સરમાં ઝુનઝુનવાલા ૩૧ કરોડ રોકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/rakesh-jhunjhunwala.jpg)
નવી દિલ્હી: ખૂબ જ ઓછી જાણીતી કંપની રાઘવ પ્રોડ્યુક્ટિવિટિ એનહેન્સરમાં સોમવારે સતત સાતમા સેશનમાં અપર સર્કિટ લાગી છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા આ કંપનીમાં ૩૧ કરોડ રુપિયા રોકવાના હોવાના સમાચારે તેના શેરમાં આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે. કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલી માહિતી અનુસાર, ઝુનઝુનવાલા કંપનીના ૩૦.૯ કરોડના ૬ લાખ સીસીડી (અનસિક્યોર્ડ કંપલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) ખરીદશે. આ અપડેટ બાદ સોમવારે આ શેર તેની ૫ ટકાની સરકિટ લિમિટને ક્રોસ કરી ગયો હતો. હાલ તે પોતાની ઓલટાઈમ હાઈ સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. આજે શેરબજારમાં પણ સારી તેજી જાેવા મળી રહી છે. સેન્સેક્સ બપોરે ૧.૪૫ વાગ્યાના અપડેટ અનુસાર, ૩૫૯ પોઈન્ટ્સ વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
કંપની ૫૧૫ રુપિયા પ્રતિ યુનિટના દરે છ લાખ સીસીડી ઈશ્યૂ કરશે. દરેક ડિબેન્ચર પર દર વર્ષે ૧૫ ટકા લેખે સાદુ વ્યાજ ચૂકવવામાં આવશે. એલોટમેન્ટના ૧૮ મહિના બાદ સીસીડી ઈક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ જશે. આ ડીલની તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧ના રોજ થઈ છે. બોર્ડે જે રુ. ૫૧૫ ઈક્વિટી શેરની કન્વર્ઝન પ્રાઈસને બહાલી આપી છે તેમાં ૫૦૫ રુપિયા પ્રતિ શેર પ્રિમિયમનો પણ સમાવેશ થાય છે.
રાઘવ પ્રોડ્યુક્ટિવિટિ એનહેન્સર અગાઉ રાઘવ રેમિંગ માસ તરીકે જાણીતી હતી. કંપની સિલિકા રેમિંગ માસ, ક્વાર્ટઝ પાવડર અને ગેલ્વેનાઈઝ આયર્ન શીટ્સના ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ તેમજ વેચાણ સાથે સંકળાયેલી છે. ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા ઝુનઝુનવાલા હાલના દિવસોમાં મેટલ શેર્સ પર ખાસ્સા બુલિશ છે. તેમણે આ વિશે જાહેરમાં પણ ઘણીવાર વાત કરી છે.
બીજી તરફ, છેલ્લા પાંચ વર્ષમાં રાઘવ પ્રોડ્યુક્ટિવિટિ એનહેન્સરનો શેર ૨૪૦૦ ટકા જેટલો ઉછળી ચૂક્યો છે. ૧૩ એપ્રિલ ૨૦૧૬ના રોજ કંપનીનો શેર ૨૮.૬ રુપિયાના ભાવે લિસ્ટ થયો હતો. અત્યારસુધીની તેની સર્વોચ્ચ સપાટીની વાત કરીએ તો, આ શેર ૭૧૬.૯ રુપિયાના સ્તરને આંબી ચૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં તેના ભાવમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે. ગત મહિનામાં જ તેણે ૭૦ ટકા જેટલું તગડું રિટર્ન આપ્યું છે.