રિલાયન્સ સબવે ઈન્કની ભારતીય ફ્રેન્ચાઈઝી ખરીદશે

મુંબઈ: ગ્રોસરી, એડ-ટેર, મ્યુઝિક, ઈ-ફાર્મસી, પેમેન્ટ્સ, ફેશન અને ફર્નીચર પછી મુકેશ અંબાણીની નજર હવે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસ પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની સૌથી મોટી સિંગલબ્રાન્ડ રેસ્ટોરન્ટ ચેઈન સબવે ઈન્કની ભારતીય ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ ડીલ ૨૦થી ૨૫ કરોડ ડોલર એટલે કે ૧૪૮૮થી ૧૮૬૦ કરોડ રુપિયા સુધીની હોઈ શકે છે.
સેન્ડવિચ બનાવતી કંપની સબવે ઈન્કની મુખ્ય ઓફિસ અમેરિકાના કનેક્ટીકટમાં છે. કંપની ભારતમાં અનેક રીજનલ માસ્ટર ફ્રેન્ચાઈઝીના માધ્યમથી બિઝનેસ કરે છે. દુનિયાભરમાં કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. આ વિષે અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા જ્યારે કંપનીની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમનુ કહેવુ હતું કે તે વર્તમાન અથવા સંભવિત ફ્રેન્ચાઈઝી વિષે નિવેદન આપવા નથી માંગતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ આ મુદ્દા પર મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ નથી આવ્યો.
જાે આ ડીલ ફાઈનલ થશે તો આનાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રીટેલ યુનિટને ભારતભરમાં સબવેના લગભગ ૬૦૦ સ્ટોર મળશે અને તેને પોતાનો વેપાર વધારવામાં મદદ મળશે. ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ માર્કેટમાં રિલાયન્સ રીટેલની એન્ટ્રીથી તેની સ્પર્ધા ડોમિનોઝ પિઝ્ઝા, બર્ગર કિંગ, પિઝ્ઝા હટ અને સ્ટારબક્સ તેમજ તેમના લોકલ પાર્ટનર્સ ટાટા ગ્રુપ અને જ્યુબિલન્ટ ગ્રુપ સાથે થશે. જાણકારોના જણાવ્યા અનુસાર પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ પણ સબવેની લોકલ ફ્રેન્ચાઈઝી ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે.
૨૦૧૭માં સબવેની અનેક ભારતીય ફ્રેન્ચાઈઝીએ મળીને એક થવાનો અને એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની ટીએ અસોસિએટ્સ અને ક્રિસકેપિટલ જેવા ફાઈનાન્શિયલ ઈન્વેસ્ટર્સ સાથે વાત પણ થઈ હતી પરંતુ કોઈ અંતિમ નિરાકરણ નહોતુ આવી શક્યું. સબવે કોઈ એક સિંગલ પાર્ટનરના માધ્યમથી ભારતમાં પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવા માંગે છે. અત્યારે કંપની માસ્ટર ફ્રેન્ચાઈઝીની નિમણુક કરે છે જે પ્રત્યક્ષ રીતે અથવા સબ-ફ્રેન્ચાઈઝીના માધ્યમથી સ્ટોર્સ ચલાવે છે.
ઉલ્લેખનીય છે કે સબવેની માલિકીનો અધિકાર ડોક્ટર્સ અસોસિએશન પાસે છે. આ કંપની પ્રત્યેક ફ્રેન્ચાઈઝી પાસેથી ૮ ટકા રેવન્યુ લે છે. ભારતના ૧૮,૮૦૦ કરોડ રુપિયાના સંગઠિત ક્યુએસઆર બિઝનેસમાં આની છ ટકા ભાગીદારી છે. ૨૧ ટકા ભાગેદારી સાથે ડોમિનોઝ માર્કેટ લીડર છે. મેકડોનલ્ડ ૧૧ ટકા ભાગીદારી સાથે બીજા ક્રમાંક પર છે.