Western Times News

Gujarati News

મેન્સ હોકીમાં ભારતની બેલ્જિયમ સામે ૫-૨થી હાર

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ ટીમે ફાઇનલમાં પહોંચવાની ઐતિહાસિક તક ગુમાવી દીધી છે. બેલ્જિયમ સામે રમાયેલી સેમિફાઇનલમાં ભારતનો ૫-૨થી પરાજય થયો છે. ૧૯૭૨ પછી ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ પાસે ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક હતી, પરંતુ સેમિફાઇનલમાં બેલ્જિયમે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ભારતીય ટીમ ૫ ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમશે. આ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની પરાજીત ટીમ સામે થશે.

ભારતીય ટીમ પાસે ૧૯૮૦ પછી ગોલ્ડ મેડલ જીતવાની તક હતી. પરંતુ સેમિફાઇનલમાં વિશ્વની નંબર-૧ ટીમ બેલ્જિયમ સામે ભારતનો પરાજય થયો છે. આ સાથે ભારતીય ટીમે ગોલ્ડ મેડલની તક ગુમાવી દીધી છે. હવે ભારતીય ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. હેન્ડ્રિક્સે બેલ્જિયમને પેનલ્ટી સ્ટ્રોક પર ચોથો ગોલ અપાવ્યો હતો. આ દરમિયાન હેન્ડ્રિક્સે હેટ્રિક પૂરી કરી હતી. બેલ્જિયમ માટે આ વિજયી ગોલ સાબિત થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહીં. આ ૧૫ મિનિટની રમતમાં બંને ટીમોને ગોલ કરવાની તક મળી પણ કોઈ ટીમ સ્કોર કરી શકી નહીં. બંને ટીમોએ સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બેલ્જિયમે બીજા ક્વાર્ટરની ૧૨મી મિનિટે ગોલ કરી સ્કોર બરોબર કર્યો હતો. બેલ્જિયમના ખેલાડી હેન્ડ્રિક્સે બંને ગોલ કર્યા હતા. બેલ્જિયમે પ્રથમ ક્વાર્ટરમાં એક મિનિટ ચાર સેકેન્ડમાં પેનલ્ટી કોર્નર પર પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ભારતે શાનદાર વાપસી કરી હતી. ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર ૭મી મિનિટે મળી હતી. ટીમ ઈન્ડિયાએ ગોલ કરીને સ્કોર ૧-૧થી બરોબર કર્યો હતો. આ ગોલ હરમનપ્રીત સિંહે કર્યો હતો. ત્યારબાદ મનપ્રીત સિંહે ગોલ કરી ટીમ ઈન્ડિયાને લીગ અપાવી હતી. ભારતીય ટીમ ૧૯૭૨ના ઓલિમ્પિક બાદ પ્રથમવાર સેમિફાઇનલમાં પહોંચી હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને ૩-૧થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.