હાર-જીત જિંદગીનો હિસ્સો, મોદીની ટીમ ઈન્ડિયાને શીખ

ટોક્યો: ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના સેમિફાઇનલ મુકાબલામાં બેલ્જિયમ વિરુદ્ધ ૨-૫થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભારતીય પુરૂષ ટીમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે. ભારતીય પુરૂષ હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ હારે ભારતીય મેન્સ હોકી ટીમની સાથે કરોડો ભારતીય રમત પ્રેમીઓના દિલ તોડી દીધા છે. પ્રધાનમંત્રીએ ટીમને જુસ્સો વધારતા ટ્વીટ કર્યુ કે જીત અને હાર જિંદગીનો ભાગ છે. આપણી મેન્સ હોકી ટીમે પોતાનું બેસ્ટ આપ્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેચ બાદ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત પણ કરી છે.
પીએમ મોદીએ ટીમના કેપ્ટનને આગામી મેચ માટે શુભકામનાઓ પાઠવી છે તથા ઓલિમ્પિકમાં અત્યાર સુધી કરેલા સારા પ્રદર્શનની પ્રશંસા પણ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર લખ્યુ જીત અને હાર તો જિંદગીનો ભાગ છે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં આપણી ભારતીય મેન્સ હોકી ટીમે પોતાનું બેસ્ટ આપ્યુ. ભારતીય ટીમને આગામી મેચ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. બેલ્જિયમ વિરુદ્ધ ભારત ત્રીજા ક્વાર્ટર સુધી ૨-૨થી બરોબરી પર હતું. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમના જબરદસ્ત હુમલાનો ભારતીય ટીમ પાસે કોઈ જવાબ નહતો.
બેલ્જિયમની જીતનો હીરો રહ્યો એલેક્જેન્ડ હેન્ડ્રિક્સ, જેણે આ મેચમાં કુલ ત્રણ ગોલ કર્યા છે. પ્રથમ ક્વાર્ટર બાદ ભારતીય ટીમ ૨-૧થી આગળ હતી. ભારત માટે મેચમાં કુલ બે ગોલ થયા, જેમાં મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યો હતો. બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાવાની છે, જીતનારી ટીમ ફાઇનલમાં ગોલ્ડ માટે બેલ્જિયમ સામે ટકરાશે, જ્યારે હારેલી ટીમની ટક્કર બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત સામે થશે.