રોટરી ક્લબ દ્વારા કોરોના વોરિયરનું સન્માન કરાયું
આસિસ્ટન્ટ ગવર્નર રોટરિયન ડો. રોહિત જોશીના વિઝનને અનુસરતા ઉપસ્થિત તમામ લોકોને ગો ગ્રીન પહેલના ભાગરૂપે રોપાનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ, તાજેતરમાં જ રોટરી ક્લબ ઓફ ઈ-ગેલેક્સી, રોટરી ક્લબ ઓફ અમદાવાદ ગ્રેટર અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ એરપોર્ટ દ્વારા મલ્ટી-ક્લબ ઈવેન્ટ યોજાઈ હતી. ડિસ્ટ્રીક્ટ ગવર્નર રોટરિયન અશોક મંગલજી ના અધ્યક્ષ પદે અને આસિસ્ટન્ટ ગવર્નર રોહિત જોશીના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ પ્રસંગે 100થી વધુ રોટેરિયન્સ ભેગા થયા હતા અને 3 કલબના અધ્યક્ષ સંજય શાહ, તપન શાહ અને પ્રદીપ ચતુર્વેદી સાથે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ડિસ્ટ્રીક્ટ ગવર્નરે કોરોનાના કપરા સમયમાં ત્રણેય ક્લબ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ડો. રોહિત જોશી, ડો. તપન શાહ, ડો. કૌશલ શાહ, ડો. ઊર્મિલ શાહ અને ડો. પ્રકાશ જોશી સહિતના રોટરી પરિવારના કોરોના વોરિયર્સની સરાહના કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ ગવર્નર રોટરિયન ડો. રોહિત જોશીના વિઝનને અનુસરતા ઉપસ્થિત તમામ લોકોને ગો ગ્રીન પહેલના ભાગરૂપે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમણે પર્યારણનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
‘સ્માઈલ ઓન વ્હીલ્સ’ પહેલ હેઠળ ક્વોલિફાઈડ ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ સાથેની મેડિકલ વાન રોજિંદી આરોગ્ય સેવાથી વંચિત અંતરિયાળ ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લે છે. બ્લડ ટેસ્ટ, ઈસીજી, નેબ્યુલાઈઝર, ઓક્સિજન, સ્ટાન્ડર્ડ મેડિસિન જેવી સુવિધાઓથી સજ્જ આ વાન નાના-મોટા, અબાલ-વૃદ્ધ સૌને આરોગ્ય સેવા પૂરી પાડે છે. ત્રણ દિવસની દવાઓ માટે ટોકન પેટે માત્ર રૂ. 10નો ચાર્જ લેવામાં આવે છે. બાળકો માટે રસીકરણના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો, ખાસ કરીને બાળકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો આ એક ઉમદા પ્રયાસ છે.