કોરોના કેસ ઘટતા ભાવનગરના સ્વિમિંગ પુલ ખુલ્લા મૂકાયા
ભાવનગર: કોરોનાના કેસમાં ઘટાડો થતા ભાવનગરમાં આવેલા બંને સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાતના તમામ સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સ્વીમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષ થી બંધ હતા, એના કારણે તરવૈયાઓ નિરાશ થઈ રહ્યા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ સ્વિમિંગ પુલ ખુલી રહ્યા છે, ત્યારે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંને સ્વિમિંગ પુલને પણ તરવૈયાઓ માટે ખુલ્લા મુકવા આવ્યાં છે. સ્વિમિંગ પુલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તરવૈયાઓએ સરકારની તમામ ગાઈડલાઇન ફોલો કરવી પડશે.
તેમજ સ્વિમિંગ પુલમાં પ્રવેશ મેળવવા માંગતા લોકોએ કોરોનાની રસી લીધી હશે તે લોકોને જ સ્વિમિંગ પુલમાં પ્રવેશ આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત અને શહેરના પશ્ચિમ વિસ્તારના નિલમબાગ ખાતે આવેલ નિલમબાગ સ્વિમિંગ પૂલ ખોલવામાં આવતા મોટી સંખ્યામાં તરવૈયાઓ સ્વિમિંગ માટે ઉમટી પડ્યા હતા.
જ્યારે મનપા સંચાલિત પૂર્વ વિસ્તારના સરદારનગર ખાતે આવેલ સ્વિમિંગ પુલને પણ ખોલી દેવામાં આવ્યો છે. પરંતુ ત્યાં હાલ સફાઈ કામ ચાલુ હોવાથી ૨ દિવસ બાદ તરવૈયાઓને સરકારી ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે. સ્વિમિંગ પુલ ખાતે પ્રવેશ મેળવવા માંગતા લોકોએ કોરોના વેક્સિન ફરજિયાત લેવી પડશે, જે લોકોએ વેક્સિન લીધી હશે તેઓ ને જ સ્વિમિંગ પુલમાં પ્રવેશ આપવા તંત્ર દ્વારા કડક ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરના બંને સ્વિમિંગ પુલ ખુલ્લા મુકવામાં આવતા તરવૈયાઓમાં ખુશીની લહેર જાેવા મળી હતી.