પંચમુખી હનુમાનજી મંદિરના પૂજારીની ઝુપડીમાં નોનવેજ ખાવાની માંગણી કરી પૂજારીને માર માર્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરના પૂજારીને ગોવાલી ગામના ચાર જેટલા યુવાનોએ પૂજારીની ઝૂંપડીમાં નોનવેજ ખાવાની જીદ કરતા પૂજારી એ ના પાડી હતી જેથી યુવાનોએ પૂજારીને માર મારી તેની ઝુંપડીમાં તેના વાસણોમાં નોનવેજ ખાઈ પુજારીના વાસણો ફેંકી દેતા પૂજારીએ ઝઘડિયા પોલીસ મથકમાં ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.આ મંદિરમાં બ્રહ્મદેવદાસ જાનકીદાસ મહારાજ ઉં.વ ૪૪ મૂળ રહે.ભગવાનપુર, બેગુસરાઈ, બિહાર નાઓ પૂજારી તરીકે કામ કરે છે અને મંદિર સંકુલમાં જ એક ઝૂંપડી બનાવી રહે છે.ગત તારીખ ૩૦.૭.૨૧ ના રોજ પંચમુખી હનુમાનજી મંદિરના પુજારી બ્રહ્મદેવદાસ સાંજે સાત વાગ્યે પુજા પાઠ કરી જમવાનું બનાવી જમીને આરામ કરતા હતા.આ દરમ્યાન રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગામમાં રહેતા હરેશ મગન પાટણવાડીયા, કાટો વસાવા, કાલુ વસાવા, સઇદ ઉર્ફે રાજુ નાઓ મંદિરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી પૂજારી બ્રહ્મદેવ દાસની ઝૂંપડી પાસે આવ્યા હતા.
તેઓ પૂજારીને કહેવા લાગેલા કે અમે તૈયાર નોનવેજ લાવેલ છે, તમારી ઝુપડીમાં બેસીને ખાવું છે, તેમ કહેતા પૂજારીએ તેમને ના પાડી હતી, તેથી આવેલા ઇસમો ઉશ્કેરાઈ ગયેલ હતા અને પૂજારીને ગમેતેમ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. આવેલા ઈસમો પૈકી હરેશ તથા રાજુ એ પૂજારી બ્રહ્મદેવદાસને ઢીકાપાટુનો માર માર્યો હતો.કાલુ વસાવા નામના ઈસમે લાકડી વડે પૂજારીને બંને હાથના ભાગે તથા ઘુટણના ભાગે ચારેક સપાટા મારી દીધા હતા.કાટા વસાવા નામના ઈસમે હાથના ભાગે તેમજ પગના ભાગે ધારીયાનો દસ્તો મારી ઇજા પહોંચાડી હતી.
ચાર ઈસમોએ પૂજારીને માર મારતા પુજારી બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા. આજુબાજુમાં કોઇ વસ્તી નહીં હોય કોઈ પૂજારીને બચાવવા આવેલ નહીં, જેથી પૂજારી તેમની ઝુપડી છોડી નાસી ગયેલ હતા.પૂજારીના નાસી ગયા બાદ ચારે ઇસમોએ પૂજારીના ઝુપડીમાં બેસી પૂજારીના વાસણોમાં જ નોનવેજ ખાઈ વાસણો ફેકી નુકસાન કર્યું હતું અને ધમકી આપી હતી કે ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.પૂજારી ત્યાંથી ભાગી ગયા બાદ નજીકમાં આવેલ પેટ્રોલ પંપ પર જઈ આશરો લીધો હતો અને તેમને માર મારેલ હોય તેઓએ દુખાવાની આયુર્વેદિક લેપ લગાવી જાતે જ દવા કરી હતી.ગતરોજ પૂજારી તબિયત સુધારા પર આવતા તેમણે ઝઘડિયા પોલીસ મથકમાં (૧) હરેશ મગન પાટણવાડીયા (૨) કાટો વસાવા (૩) કાલુ વસાવા (૪) સઇદ ઉર્ફે રાજુ (તે અજીત મોહન પાટણવાડીયાનો જમાઈ) તમામ રહે. ગોવાલી તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.