હું માત્ર મારા ગોલપોસ્ટ પર બેસવા માગતો હતોઃ શ્રીજેશ
ટોક્યો: ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષ પછી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો. સમગ્ર ટીમ મનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં લડી હતી. બ્રોન્ઝ મેડલ માટેની મેચ જર્મની સાથે હતી. અંતે પેનલ્ટી કોર્નર મળવાને કારણે બ્રોન્ઝ મેડલ હાથમાંથી જતો હોય તેવું લાગ્યું હતું. પરંતુ ગોલકીપર શ્રીજેશને છેલ્લી ૬ સેકન્ડમાં શાનદાર રીતે ગોલ સેવ કર્યા હતા. પરિણામ સ્વરુપ ભારત ૫-૪થી જીત્યું હતું. જીતના ઉત્સાહમાં પીઆર શ્રીજેશ ગોલપોસ્ટ પર જ ચઢી ગયો હતો. ગોલપોસ્ટની ઉપર બેસીને તેણે વિજયની ક્ષણ જીવી અને ઘણી તસવીરો પડાવાતા જુદા જુદા પોઝ આપ્યા હતા. શ્રીજેશે જણાવ્યું કે તેણે ઉજવણી માટે ગોલપોસ્ટ જ કેમ પસંદ કર્યું. મનપ્રીતે સમગ્ર ટીમના પ્રવાસના રમૂજી કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા.
શ્રીજેશે કહ્યું કે અમે આજે અમારી તમામ એનર્જીનો ઉપયોગ કર્યો છે, તેથી મને લાગે છે કે અમે આવી ઉજવણીને લાયક છીએ. ભારતીય હોકી ટીમે આ બ્રોન્ઝ મેડલ તમામ કોવિડ યોદ્ધાઓને સમર્પિત કર્યો છે. શ્રીજેશે કહ્યું, આ એક લાંબી મુસાફરી છે. અમને ખબર નહોતી કે બીજા દિવસે શું થશે. હું માત્ર મારા ગોલપોસ્ટ પર આરામથી બેસવા માંગતો હતો. જ્યારે અમે મેચ રમીએ ત્યારે અમે ખૂબ જ ભાવુક થઈ જઈએ છીએ.
કોચ ગ્રેહામ રીડે કહ્યું કે છોકરાઓ ખૂબ સારું રમ્યા. હું દરેકનો આભાર માનું છું. જ્યારે મેં આ ટીમ પસંદ કરી, ત્યારે મેં કહ્યું કે ૩૨ માંથી આપણે કોઈપણ ૧૮ પસંદ કરી શકીએ છીએ. મનપ્રીતે કહ્યું કે કેપ્ટન તરીકે શ્રીજેશનો અનુભવ તેની સાથે રહે છે. શ્રીજેશ પહેલા ટીમનો કેપ્ટન રહ્યો છે. મનપ્રીતે કહ્યું કે આખી ટીમ એકબીજાને પ્રોત્સાહિત કરે છે. બધાએ પોતપોતાની જવાબદારી નિભાવી અને તમામે પોતાના ૧૦૦ ટકા રમતમાં આપ્યા છે.
શ્રીજેશ કેરળનો રહેવાસી છે. મેચ દરમિયાન તેના ઘરમાં દરેક વ્યક્તિ ટીવી સામે જ ગોઠવાયેલું હતું. જ્યારે તેણે મેડલ જીત્યો ત્યારે માતાએ કહ્યું કે ‘બ્રોન્ઝ અમારા માટે સોનાથી ઓછું નથી’. તેણે કહ્યું, “આ તેની ત્રીજી ઓલિમ્પિક છે અને તેને છેલ્લા બેવારથી ખાલી હાથે પાછા આવવું પડ્યું હતું. પરંતુ આ વખતે એવું નથી, તે મેડલ લઈને આવી રહ્યો છે. ભલે તે બ્રોન્ઝ હોય, અમારા માટે બ્રોન્ઝ મેડલ પણ સોના જેટલું મહત્વપૂર્ણ છે.”
ટીમ ઇન્ડિયાએ ૪૧ વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ભારતે છેલ્લે ૧૯૮૦ મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. છેલ્લે નેધરલેન્ડને હરાવીને ૧૯૭૨ ના મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક સમયે ભારતીય ટીમ જર્મની સામે ૧-૩થી પાછળ હતી, પરંતુ સાત મિનિટમાં ૪ ગોલ કરીને ભારતીય ખેલાડીઓએ મેચને ફેરવી નાખી હતી. શ્રીજેશે છેલ્લી ઘડીએ મજબૂત બચાવ કર્યો હતો.