Western Times News

Gujarati News

દુઃખ પર મલમ લગાવવો છે તો બાળક પાસેથી ત્રણ વાત શીખો

બાળક પાસેથી શીખવાની ત્રણ બાબત જીવનમાં અમલમાં મુકાઈ જાય તો આપણાં દુઃખ આપણે જ મલમ લગાડતા શીખી જઈશુ અને આપણાં સુખને માણતા પણ શીખી જઈશુ. આપણે આંસુને આંખોની બહાર ન છલકતા દેવાની ફાવટ સાથે જીવીએ છીએ. વાસ્તવમાં આ ફાવટ કરતાં દંભ હોય છે આંસુને છલકવા દેવાની સાહજિકતા આપણે ખોઈ બેઠા છીએ. આપણે એટલુ બધુ વિચારીને જીવીએ છીએ કે, હસવા-રડવા જેવી સામાન્ય ક્રિયા કરવામાં પણ સંકોચ અનુભવીએ છીએ.
મોટા થયા પછી દુઃખની સાઈઝ પણ મોટી થતી જાય છે. બાળક જે બેફિકરાઈની આપણામાંથી બાદબાકી થઈ જાય છે.
બાળક પાસે જીવવાની સાહજિકતા હોય છે બાળક કોઈપણ ભાર વિના જીવે છે. બાળક સંકોચ કે લોભ રાખ્યા વિના હસી શકે છે, બાળક રડે છે ત્યારે એ વિચારતુ નથી કે હું રડીશ તો લોકો શું કહેશે ?

બાળકને દુનિયાની પરવા નથી અને એને તો બસ રડવુ હોય તો એ રડી લે છે. આપણે પણ બાળક હતા ત્યારે આવુ જ કરતાં હતા. બાળક રડતુ હોય ત્યારે ઘણી બધી નજર એને વિંધતી હોય પણ બાળક પર એ નજરની કોઈ અસર પડતી નથી.
ખિલખિલાટ કિલ્લો કરતું બાળક જોઈએ ત્યારે આપણી ગરીબાઈનો ખ્યાલ આવે. બાળક ખુલ્લા મને હસે છે, અને રડે પણ છે નાની નાની વાતમાં બાળક હાસ્ય શોધી લેતુ હોય છે.

આપણને એમ લાગે કે આપણે બહુ મોટા જ્ઞાની છીએ. જીવન જીવવાની કલા શીખવા માટે કોઈ વર્કશોપમાં જવાની જરૂર નથી. હસતા-રમતા, રડતા બાળકના સાંનિધ્યને માણવાની જરૂર છે. બાળક પાસેથી પહેલી વાત એ શીખવાની કે કારણ વિના ખુશ રહેવાની કલા.

સાવ નાની – અમથી વાતમાં પણ ખુશી શોધવામાં બાળક માહેર હોય છે. બાળક પોતાની મસ્તીમાં મસ્તરામ હોય છે. બાળકને ખુશ રહેવા કોઈ કારણની જરૂર પડતી નથી. અમુક વસ્તુ મેળવવા એની જીદ હોઈ શકે છે. પણ જો એ વસ્તુ ન મળે તો પણ એ ખુશ ન રહી શકે એ કારણ માનવાની જરૂર નથી જયારે આપણી ખુશી વસ્તુ કે વ્યક્તિમાં બંધાયેલી હોય છે અને જો આપણને એ ન મળે તો આપણે દુઃખી થઈએ છીએ.

બાળક કોઈ વસ્તુ મેળવવા જીદ કરતુ હોય પણ જો એ ન મળે તો બાળક રડીને પણ તેનું મન બીજે લગાવી દઈને ખુશ રહેતુ હોય છે. જયારે આપણે ઘણી વખત મહિના કે વર્ષો સુધી વ્યક્તિની યાદમાં પસાર કરી દઈએ છીએ. જયારે બાળક નહી મળેલુ વસ્તુ માટે મહિના કે વર્ષો સુધી ઝુરતુ નથી.

બાળક જેવા બેફિકર આપણે બની શકતા નથી જે ન મલ્યુ તેનો શોક પાળીએ છીએ જે મળ્યુ છે એમાં ખુશી શોધી શકતા નથી. ઈચ્છેલુ મળે તો ખુશ રહી શકાય એવી આપણી વ્યાખ્યામાંથી આપણે બહાર આવી શકતા નથી માટે તેમાંથી આપણે બહાર આવવાની જરૂર છે જીવનમાં કોઈપણ ચીજવસ્તુ પર્મનેન્ટ નથી તો પછી બાળકની જેમ સદાય પ્રસન્ન રહીએ તો કેવુ સારૂ ? બાળક પાસેથી બીજી એ વાત શીખવાની કે તે હંમેશા કંઈકને કંઈ કરવામાં વ્યસ્ત રહે છે તે કયારેય નવરુ બેઠેલુ દેખાતુ નથી. એ કોઈને કોઈ રમતમાં વ્યસ્ત રહે છે.

આપણે તો જરાક નવરા પડ્યા એટલે વિચારોનું ટેલિકાસ્ટ શરૂ થઈ જાય છે. આપણે આપણી જાતને વિચારો કરવામાં વ્યસ્ત કરી દીધી છે. આવી વ્યસ્તતા વધુ જોખમી કહેવાય ! આમ તો આપણી પાસે ધડીકની નવરાશ નથી હોતી અને જો જરાક પણ નવરાશ મળે ત્યારે આપણે નકામી વાતોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. દિવસ દરમ્યાન એક કામ એવુ કરવુ જોઈએ જે આપણને અને બીજાને ખુશી આપે.

બાળક પાસેથી ત્રીજી વાત એ શીખવા જેવી છે કે, ઈગો રાખ્યા વિના નાનામાં નાની વસ્તુ માંગો. બાળકને કંઈપણ જોઈતુ હોય તો તે બેફિકરાઈથી માંગી લે છે અને એને તે ન મળે તે પછીની વાત છે. આપણે સંબંધોમાં હું શું કામ ? આવી માનસિકતા સાથે જીવીએ છીએ. હું શા માટે ફોન કરૂ ?

એને ગરજ હશે તો એ કરશે. હું શા માટે તેને મળવા જંઉ ? હું શું કામ તેની પાસે માંગુ ? આમ હું શું કામ એ બહુ નકામો ઈગો છે. બાળકમાં અહંકાર નથી એટલે એને હું શું કામ ? જેવા નકામાં વિચારો આવતા નથી એને તો કોઈની પાસે કંઈ જોઈતુ હોય તો એની પાસે જઈને માંગી લે છે. આપણે રોદણા રડીને ક્યાંક હાથ નથી ફેલાવવાનો એ આપણો અહંકાર ત્યજીને સામેથી પહેલ કરવી પડે તો કરી લેવાની છે અહંકારને ત્યજી દઈશું તો ઈશ્વર પણ આપણી નજીક હશે, તો તકલીફ વખતે ઈશ્વર કહી શકે છે કે હું શું કામ ? એના કરતાં માંગી લેવાનું આપણે માંગ-માંગ કરીને માંગણ નથી બનવાનુ. પણ જયારે જયારે હું શું કામ ? એવો પ્રશ્ન થાય ત્યારે ચેતી જવાનું કે ક્યાંક અહંકાર ડોકાઈ રહયો છે. બાળક પાસેથી શીખવાની આ ત્રણ વાત જો અમલમાં મુકાઈ જાય તો આપણે આપણાં દુઃખ પર મલમ લગાડતા શીખી જઈશુ અને સુખને માણી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.