પતિના નિધનના એક માસ બાદ મંદિરાએ કામ શરૂ કર્યું
મુંબઈ: એક મહિના પહેલા પતિને ગુમાવનારી બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદી ધીમે-ધીમે સામાન્ય જીવનમાં પરત ફરી રહી છે. મંદિરા બેદીએ થોડો વિરામ લીધા બાદ ફરીથી કામ શરુ કર્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૂટિંગ દરમિયાનની બીટીએસ તસવીર શેર કરી છે. જેમાં તે હળવા ગુલાબી કલરની સાડીમાં જાેવા મળી રહી છે. આ સાથે તેણે ગળામાં હેવી નેકલેસ પણ પહેર્યો છે. તેના ચહેરા પર સ્મિત છે, પરંતુ આંખોમાં હજી પણ પતિને ગુમાવવાનું દુઃખ છે.
ફોટો શેર કરીને મંદિરા બેદીએ લખ્યું છે કે, ‘જે લોકોને આની જરૂર છે તેમના માટે પ્રેમ અને પોઝિટિવિટી મોકલી રહ્યો છું. મંદિરા બેદીને ખુશ અને કામ કરતી જાેઈને તેની ખાસ બહેનપણીઓએ તેનો ઉત્સાહ વધાર્યો છે. તન્વી શાહ, સમિતા બંગર્ગી, અધૂના, ગુલ પનાગ, ઝેહા કોહલી અને વિદ્યા માલવડે તેમજ ફેન્સે કોમેન્ટ કરીને પ્રેમ મોકલ્યો છે. મંદિરા બેદીએ પતિ રાજ કૌશલના નિધનને એક મહિનો પૂરો થવા પર બાળકો સાથે ઘરમાં પૂજા કરી હતી. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. આ સિવાય હાલમાં જ મંદિરા બેદીએ દીકરી તારાનો બર્થ ડે ઉજવ્યો હતો. જેને રાજ કૌશલ અને તેણે ગયા વર્ષે દત્તક લીધી હતી.
મંદિરા બેદી અને તેના દીકરા વીરે સાથે મળીને તારાના બર્થ ડેને ખાસ બનાવી હતી. મંદિરા બેદીના પતિ રાજ કૌશનું નિધન ૩૦મી જૂને થયું હતું. એક્ટ્રેસે જ પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ માટે તે ટ્રોલ થઈ હતી. જાે કે, બોલિવુડના કેટલાક સેલિબ્રિટી તરત જ તેના સપોર્ટમાં આવ્યા હતા. મંદિરા બેદી અને રાજ કૌશલની વાત કરીએ તો, બંનેની મુલાકાત ૧૯૯૬માં થયા હતા. રાજ ત્યારે એડ ફિલ્મ્સ બનાવતી કંપનીમાં કામ કરતો હતો અને તેને ‘ફિલિપ્સ’ની જાહેરાત માટે એક છોકરીની શોધ હતી. મંદિરા ત્યારે ‘શાંતિ’ સીરિયલ પહેલાથી જ નામ કમાઈ ચૂકી હતી. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી, જે પ્રેમમાં પરિણમી અને બાદમાં લગ્ન થયા. કપલના લગ્ન ૧૯૯૯માં થયા હતા. તેઓ ૨૦૧૨માં વીર નામના દીકરાના માતા-પિતા બન્યા હતા.