રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની કરોડોની ડીલ પર રોક
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે થનારી ૨૪,૭૩૧ કરોડ રુપિયાની ડીલ પર સંકટના વાદળ ઘેરાયા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્ટોબરમાં સિંગાપુરની મધ્યસ્થ અદાલત દ્વારા સંભળાવાવમાં આવેલો ચુકાદો યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે સિંગાપુરની અદાલતે આ ડીલ પર રોક લગાવી હતી. આ ડીલને કારણે અમેઝોન અને કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપ વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી.
અમેઝોને સિંગાપોરની અદાલતના ચુકાદાને અમલમાં મુકવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફ્યુચર ગ્રુપ દ્વારા ગત્ત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફ્યુચર રીટેલ સહિત પોતાની પાંચ લિસ્ટેડ કંપનીઓને ફ્યૂચર એન્ટરપ્રાઈઝ લિમિટેડમાં વિલય કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી રીટેલ બિઝનેસને રિલાયન્સને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલ લગભગ ૨૫,૦૦૦ કરોડ રુપિયાની છે.
અમેઝોનની ફ્યૂચર રીટેલમાં ફ્યૂચર કૂપન્સના માધ્યમથી ૫ ટકા ભાગીદારી છે. અમેઝોને ૨૦૧૯માં ફ્યૂચર કૂપન્સમાં ૪૯ ટકા ભાગીદારી ૧૫૦૦ કરોડ રુપિયામાં ખરીદી હતી. અમેઝોને આરોપ મુક્યો છે કે તેમની મંજૂરી વિના જ ફ્યૂચર ગ્રુપે પોતાનો બિઝનેસ રિલાયન્સને વેચી દીધો. અમેઝોનની અરજી પર સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે આદેશ આપ્યો હતો કે તેમનો અંતિમ ચુકાદો સંભળાવવામાં ન આવે ત્યાં સુધી રિલાયન્સ સાથેની આ ડીલને આગળ વધારવામાં ના આવે.
આ ખબર સામે આવ્યા પછી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર નીચે આવ્યા છે. બીએસઈ પર સાડા અગિયાર વાગ્યે કંપનીના શેરમાં ૨.૦૬ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો.