હજુ પણ ગુજરાતમાં ૪૧ ટકા વરસાદની ઘટ છે
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઠ મહિનો વીતી ગયો છે પરંતુ હજુ જાેઈએ તેવો વરસાદ સારો થયો નથી. જાેકે જુલાઈના અંતમાં વરસાદ થવાના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનાનું એક સપ્તાહ પૂરું થયું પણ સારા વરસાદની આશા નથી. ૧૫ ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. ત્યારે જગતના તાત માટે માઠા સમાચાર છે.
આગામી ૫ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. ભારે વરસાદ માટે રાહ જાેવી પડશે. સિસ્ટમ સક્રિય થયા બાદ ગુજરાતમાં સારો વરસાદ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ યથાવત રહશે. આગામી ૫ દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં આગામી ૫ દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગસ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે.
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહીનામાં ગુજરાતમાં સરેરાશ ૩૫.૩૭ ટકા વરસાદ થયો છે. ૨૦૨૦ જુલાઈ મહીનામાં ૪૨.૨૩ ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે ૫ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ૩૬.૦૬ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ૫ ઓગષ્ટ ૨૦૨૦માં ૪૪.૭૯ ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ ૩૬.૦૬ ટકા થયો છે. હજુ ગુજરાતમાં ૪૧ ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
હજુ વરસાદ ખેંચશે તો મુશ્કેલી સર્જાશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાત જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થશે પરંતુ સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાય નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી. આંકડા પ્રમાણે વરસાદનાં ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ ૩૩ જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં ૫૭%, અરવલ્લીમાં ૫૪%, સુરેન્દ્રનગરમાં ૫૨%, તાપીમાં સરેરાશથી ૪૯%, દાહોદમાં ૪૮% વરસાદની ઘટ છે. ૧૧ જિલ્લાઓમાં તો વરસાદની ૫૦%થી પણ વધારે ઘટ છે. છેલ્લાં ૯ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.