ઝઘડીયાના વાંદરવેલી ગામ નજીકથી સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામ નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારુ સહિત કુલ રૂ.૩,૫૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના હરીપુરા થી વાંદરવેલી ગામે જવાના રસ્તા પર ઉભેલી એક ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે.પોલીસે બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરેલ ત્યાં એક ઈકો ગાડી ઉભી હતી.
ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ઇસમને નીચે ઉતારીને પુછતા તેનુ નામ શશીકાન્ત હરિસીંગ વસાવા રહે.ગુલાફળીયા પડવાણીયા તા.ઝઘડીયા હોવાનુ જણાયુ હતુ.પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના અલગઅલગ બ્રાન્ડના વિદેશી દારુની બોટલો મળી આવી હતી.
પોલીસ તપાસ દરમ્યાન ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલ ટીન મળીને રૂ.૫૦,૨૦૦ નો વિદેશી દારૂ તેમજ ઇકો ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૫૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આ ગુનામાં શશીકાન્ત હરિસીંગ વસાવાની ધરપકડ કરીને અન્ય આરોપી અજીત વસાવાને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.પોલીસે આ બાબતે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.