મોડાસાના માધુપુરમાં કિડીખાઉં પ્રાણી દેખાયું દયા ફાઉન્ડેશને રેસ્કયુ કરી વન વિભાગને સુપ્રત કર્યું

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. દરમિયાન જંગલમાં રહેતાં અનેક જીવો માનવ વસતી તરફ આવી જતા હોય છે. ત્યારે મોડાસાના ઈસરોલ નજીક આવેલ માધુપુર ગામમાં એક ઘરમાં કિડીખાઉં પ્રાણી આવી જતાં લોકોમાં અચરજ ફેલાયું હતું. આ અંગે દયા ફાઉન્ડેશનમાં જાણ કરાતાં તેનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
મોડાસા તાલુકાના ઈસરોલ ગામ નજીક આવેલ માધુપુર ગામના રમેશભાઈ શંકરભાઈ ખાંટના ઘરમાં રવિવારના રોજ કોઈ વિચિત્ર પ્રકારનું પ્રાણી ઘુસી આવ્યું હોવાની જાણ થતાં ગ્રામજનો ડર વચ્ચે એક પછી એક જોવા આવી ગયા હતા. ગ્રામજનોએ આ પ્રાણીને ઘરની બહાર કાઢવા માટે પોતાની રીતે પ્રયાસો કર્યા હતા. પરંતુ આ પ્રાણી બહાર ન નિકળતાં મોડાસાની દયા ફાઉન્ડેશનની ટીમને જાણ કરવામાં આવી હતી.
જેના પગલે દયા ફાઉન્ડેશન ટીમના વોલેન્ટીયર જગદીશભાઈ, રાજેશ કોટડ અને તાહીર ધનસુરીયા પહોંચી ગયા હતા. તેઓએ ભારે જહેમત બાદ આ પ્રાણીનું રેસ્ક્યુ કર્યું હતું અને ગ્રામજનોને આ પ્રાણીનું નામ કિડીખાઉં હોવાનું જણાવી તેના વિશે માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા. ત્યાર બાદ સરપંચ અને આ ટીમે વન વિભાગને જાણ કરતાં દોડી આવેલી વન વિભાગની ટીમે કિડીખાઉંનો કબ્જો લઈ જંગલ વિસ્તારમાં છોડી મુકવા તજવીજ હાથ ધરી હતી