બાળકો માટે રક્ષાબંધન વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે

નડિયાદ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૩/૦૮/૨૦૨૧ થી તા.૧૩/૦૯/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૪/૦૯/૨૦૨૧ છે
મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે.
હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.
યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે) બાળકો ભાગ લઈ શકશે.
સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “રક્ષાબંધન” વિષય પર ઓછામાં ઓછા સાત રંગોના ઉપયોગથી કૃતિ પોતાના ઘરે તૈયાર કરી કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે
તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ અથવા જન્મના દાખલાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. ઉપરોક્ત સુચના પ્રમાણે ચિત્ર તૈયાર કરીને તા.૨૩/૦૮/૨૦૨૧ થી તા. ૧૩/૦૯/૨૦૨૧ સુધી બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા-ભાગોળ, નડીઆદ ખાતે પહોંચતી કરવાની રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ।.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ।.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ।.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ।.૫,૦૦૦/- મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ખેડા – નડીઆદની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.