મ્યુનિ.રેકર્ડ વિભાગની ફીમાં તોતીંગ વધારો
અમદાવાદ : મ્યુનિસિપલ સેન્ટ્રલ રેકર્ડ ઓફિસ મારફતે મ્યુનિ.કોર્પાે.ના જુદા જુદા ખાતાના રેકર્ડની નકલો જેવી કે જન્મની નકલ, મરણની નકલ, ઈલેકશનખાતા દ્વારા મતદાર યાદીની નકલ, ટી.ડી.ઓ.ખાતાનાં પ્લાનની નકલ, ટેક્ષખાતાના ડીમાન્ડની નકલ, હરકત ઠરાવની નકલમાં હાલમાં ચાલતી ફી લીને નકલ બનાવી આપવામાં આવે છે. જેની ફી ૧૯૯૯માં નક્કી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટીએ લગભગ દસ ગણો વધારો કર્યાે છે.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, નકલ બનાવવા અંગે વપરાતી સ્ટેશનરી, તે અંગેનો ખર્ચ, છપામણી ખર્ચ તથા સેન્ટ્રલ રેકર્ડ ખાતાના સ્ટાફનો વહીવટી ખર્ચમાં ઘણો વધારો થયેલ છે, છતાં પણ સેન્ટ્રલ રેકર્ડ ખાતેથી નકલો બનાવી આપવા માટે ૧૯૯૯ પછી નકલોની ફીમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી.
જેથી હાલમાં લેવામાં આવતી નકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ નવી ફીમાં બીયુ પરમીશનની નકલ, રજાચિઠ્ઠી, મતદાર યાદીની નકલ, ટેક્ષખાતાની ડિમાન્ડ નકલ, સ્ટેન્ડીંગ કમિટી ઠરાવની નકલ, ગુમાસ્તાધારાની નકલ, જી.ડી.ઈ.એસટીની નકલ પેટે રૂ.૧૦ લેવામાં આવતાં હતાં. તેનાં રૂ.૧૦૦ કરવામાં આવ્યાં છે. જ્યારે રોડલાઈન નકલ અને ડિપોઝીટ માટે રૂ.૧૦૦ લેવામાં આવતાં હતાં. જે વધારીને રૂ.૨૦૦ કરવામાં આવ્યાં છે.