ભાગ મિલ્ખા ભાગમાં સોનમે ૧૧ રૂપિયા ફી લીધી હતી
મુંબઈ: ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પોતાની ઓટોબાયોગ્રાફી ધ સ્ટ્રેન્જર ઈન ધ મિરરમાં સોનમ કપુરને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પોતાની ઓટોબાયોગ્રાફી ધ સ્ટ્રેન્જર ઈન ધ મિરરમાં પોતાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં સોનમ કપુરની ફી અંગે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં બીરોના પાત્ર અંગે જાણ્યા બાદ અભિનેત્રી ફિલ્મ માટે રાજી થઈ ગઈ હતી. ફિલ્મમાં સોનમ કપુરનો મોટો રોલ ન હતો, પરંતુ તેમના દેખાવના વખાણ કરવામાં આવ્યાં હતા.
ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે, સોનમ કપુરે ફિલ્મ માટે ફક્ત ૧૧ રૂપિયા લીધા હતા. બોલીવુડ હંગામા સાથે વાતચીત કરતી વેળાએ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સોનમ કપુરે ફિલ્મ માટે ૧૧ રૂપિયા કેમ લીધા? જવાબમાં ફિલ્મ નિર્માતાએ કહ્યું કે ૧૧ રૂપિયા લેવા પાછળનું કારણ અમારો જૂનો પ્રવાસ હતો. તેમણે કહ્યું કે, આ ફિલ્મ પહેલાં અમે સાથે દિલ્હી ૬માં કામ કર્યુ હતું. ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વધુમાં જણાવ્યું કે, સોનમ કપુરે ફિલ્મનું કામકાજ ફક્ત ૭ દિવસમાં પૂર્ણ કર્યુ હતું. જેમાં બે ગીતો મેરા યાર અને ઓ રંગરેજ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, દેશનું વિભાજન અને ફિલ્મમાં મિલ્ખા સિંહની ભાવનાને ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવી હતી. ત્યારબાદ તેમણે અમારા ખૂબ વખાણ કર્યા છે.