અમદાવાદમાં પોલીસ નિષ્ક્રિય – ચેઈન સ્નેચરો સક્રિય
શહેરમાં નોબલનગર, નરોડા, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં ચીલઝડપના બનાવો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે ચેઈન સ્નેચરો અને નકલી પોલીસનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે શહેરમાં મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચીગ કરતી ટોળકી રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી લુંટફાટ કરી રહી છે જેના પરિણામે નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે શહેરના સેટેલાઈટ, નરોડા સહિતના વિસ્તારોમાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓ વધતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના બોડકદેવ વિસ્તારમાં ચાણકય ટાવરની બાજુમાં હિલા દર્શન એવન્યુમાં રહેતા કૌશલભાઈ જાષી રાત્રિના ૧૦.૪પ વાગ્યાની આસપાસ સેટેલાઈટ નહેરૂનગર પાસેથી પસાર થઈ રહયા હતા આ દરમિયાનમાં પાછળથી બાઈક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા કૌશલભાઈ કશું સમજે તે પહેલા જ એક શખ્સે તેમના ગળામાંથી સોનાની ચેઈન લુંટી લીધી હતી કૌશલભાઈ બુમાબુમ કરે તે પહેલા જ આ બંને શખ્સો બાઈક પર પલાયન થઈ ગયા હતાં આ અંગે તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના નરોડા વિસ્તારમાં આગમન રેસીડેન્સીમાં રહેતા પુષ્પાબેન પટેલ બપોરના સમયે પાર્થ ટેનામેન્ટ આગળથી પસાર થઈ રહયા હતા ત્યારે અચાનક જ મોટર સાયકલ પર આવેલા બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને પુષ્પાબેનના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી છુટયા હતાં આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો ત્રીજા બનાવ નોબલનગરમાં બન્યો હતો જેમાં સાંઈબાબાના મંદિરેથી દર્શન કરી દંપતિ પરત ફરી રહયું હતું ત્યારે બાઈક પર આવેલા શખ્સોએ મહિલાના ગળામાંથી પ૦ હજારથી વધુની કિંમતની સોનાની ચેઈન લુંટી લુંટારુઓ પલાયન થઈ ગયા હતા આ ઘટનાથી દંપતિએ બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.