Western Times News

Gujarati News

અમદાવાદની કંપનીની પેટન્ટ ઉલ્લંઘન સંદર્ભે કાયદાકીય જીત

ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિ. પેટન્ટ એક્ટના ભંગ બદલ દોષિત -રિટેલર્સ, ડીલર્સ તથા ડિસ્ટ્રિબ્યુટર્સને પણ સફાર ૯૦નું સંગ્રહ અને વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ

અમદાવાદ,  અમદાવાદ સ્થિત ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિમિટેડ પર તેના ફર્ટિલાઈઝર સફાર ૯૦ના ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાયો છે, કારણકે તે સલ્ફર મિલ્સ લિમિટેડ (એસએમએલ)ની પેટન્ટનું લાયસન્સ વગરનું ફોર્મ્યુલેશન હોવાનું પુરવાર થયું છે.

દિલ્હી હાઈકોર્ટે તેના તાજેતરના આદેશમાં ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિમિટેડને સલ્ફર મિલ્સ લિમિટેડ દ્વારા પેટન્ટ કરાવાયેલા ફોર્મ્યુલેશનના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ નહીં કરવા જણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં રિટેલર્સ, ડીલર્સ તથા ડિસ્ટ્રિબ્યુટર્સને પણ સફાર ૯૦નું સંગ્રહ અને વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે.

ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિમિટેડના અનલાયસન્સ્ડ અને બિનસત્તાવાર ઉત્પાદનોનું વેચાણ કરતાં રિટેલર્સ તથા ડીલર્સ વિરુદ્ધ પેટન્ટ કાયદાના ભંગની કાર્યવાહી કરવા તથા રિકવરીની પ્રક્રિયા હાથ ધરવા એસએમએલ આયોજન કરી રહી છે.

એક પ્રશ્નના ઉત્તરમાં એસએમએલના સીએમડી દીપક શાહે જણાવ્યું હતું કે ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિમિટેડના રેકોર્ડ્‌સની ચકાસણી કરવા તથા વર્તમાન સ્ટોક અને છેલ્લાં ૩ વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં વેચવામાં આવેલ કુલ જથ્થાનો અહેવાલ તૈયાર કરવા માટે દિલ્હી હાઈકોર્ટે તેના પ્રતિનિધિની નિમણૂક કરી છે.

અમારા અંદાજ પ્રમાણે ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિમિટેડે આશરે રૂ. ૧૧૫ કરોડના અનલાયસન્સ્ડ ફોર્મ્યુલેશનનું વેચાણ કરી એસએમએલને રૂ. ૫૦ કરોડનું નુકસાન પહોંચાડ્યું છે.

સલ્ફર મિલ્સ લિમિટેડ(એસએમએલ) ફર્ટિસ ડબલ્યુજી ફર્ટિલાઈઝર ઉપલબ્ધ બનાવે છે, જે છોડની ઝડપી વૃદ્ધિ માટે સલ્ફરનું સલ્ફેટમાં રૂપાંતર કરે છે જેનાથી પાકની ઉપજમાં ૫થી ૩૦ ટકાનો વધારો થાય છે. આ નવીન કૃષિ ઉત્પાદન માટે પેટન્ટ મેળવવા માટેની અરજી ૨૦૦૭માં (ઈન્ડિયન પેટન્ટ- આઈએન૨૮૨૪૨૯)માં કરાઈ હતી જેના થકી કંપનીને આ ઉત્પાદનના સંશોધન અને વિકાસ પાછળ કરાયેલું જંગી રોકાણ વસૂલ થઈ શકે તે માટે તેને ૨૦ વર્ષનો ઈજારો અપાયો છે.

હાલમાં એસએમએલ દ્વારા ૭થી વધુ ભારતીય ઉત્પાદકોને આ નવીન અને સંશોધનાત્મક પ્રોડક્ટના કિફાયતી દરે ઉત્પાદન માટે લાયસન્સ અપાયું છે. જે ખેડૂતોને ચોખા, ઘઉં, સૂર્યમુખી, મકાઈ, મગફળી, સોયાબિન, કેળાં, દ્રાક્ષ તથા કેરી સહિત અન્ય પાક લેવામાં ઉપયોગી બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.