Western Times News

Gujarati News

હોટલમાંથી દુર્ગંધ મારતો વહેપારીનો મૃતદેહ મળ્યો

Files Photo

વિદેશ જવા માટે કાગળીયા તૈયાર કરવા પોરબંદરથી આવેલો વહેપારી લાલદરવાજાની હોટલમાં રોકાયો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટનાઓ વચ્ચે શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચકચારી બનાવ બન્યો છે જેમાં વિદેશ જવા માટેની તૈયારી કરવા પોરબંદરથી આવેલા વહેપારીએ હોટલના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લેતા તેનો મૃતદેહ ત્રણ દિવસ સુધી હોટલની રૂમમાં જ લટકતી હાલતમાં રહયો હતો આખરે રૂમમાંથી દુર્ગંધ મારતા હોટલના સ્ટાફે પોલીસને જાણ કરતા જ પોલીસે રૂમનો દરવાજા તોડી વહેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો રૂમની તલાશી લેતા સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં દેવુ વધી જવાનું કારણ વહેપારીએ બતાવ્યું છે જાકે ચિઠ્ઠીના લખાણ પરથી અન્ય કોઈ કારણ પણ હોય તેવુ હાલ પોલીસ માની રહી છે.

 

રૂમમાંથી દુર્ગંધ મારતા પોલીસને જાણ કરાઈઃ લટકતી હાલતમાં મળેલા વહેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયોઃ અંગત કારણ અને દેવુ વધી જવાથી આત્મહત્યા કરી હોવાની સ્યુસાઈડ નોટ મળી

પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વહેપારીના પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે પોરબંદરમાં રહેતો યુવાન વહેપારી ચીમનભાઈ રામાભાઈ સીગરાસિયા અગાઉ ધંધાના કામે દુબઈ ગયો હતો અને દુબઈથી તે પરત પણ આવી ગયો હતો ત્યારબાદ તે અન્ય દેશના પ્રવાસે પણ જવાની તૈયારી કરતો હતો આ માટે જરૂરી કાગળીયા શરૂ કર્યાં હતાં.

વિદેશ જવા માટેની વધુ તૈયારી કરવા તે પોરબંદરથી તા.૯મીના રોજ અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદમાં શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી હોટલ વિનસમાં રોકાયો હતો. વિનસમાં પ્રથમ દિવસે તે રૂમની બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ તે પોતાના રૂમમાં જ ભરાઈ રહયો હતો. તા.૧૧મી પછી હોટલના વેઈટરોએ અવારનવાર ચીમનભાઈના રૂમ નં.૧૦૩ ના દરવાજાને ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ ઉતર મળતો ન હતો બે દિવસ સુધી હોટલના સ્ટાફે આમ કર્યું હતું.

વેઈટરોએ ભારે મહેનત કરવા છતાં ચીમનભાઈએ પોતાના રૂમનો દરવાજા ખોલ્યો ન હતો આ દરમિયાનમાં જ ગઈકાલે તેમના રૂમમાંથી દુર્ગંધ આવવા લાગતા વેઈટરો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક હોટલના માલિકને જાણ કરી હતી જેના પરિણામે માલિકને અંદર કશું થયાની આશંકા ગઈ હતી અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરતા જ પોલીસ કંટ્રોલમાંથી કારંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ કારંજ પોલીસના અધિકારીઓ હોટલ વિનસ પર પહોચી ગયા હતાં પ્રારંભમાં કોન્સ્ટેબલોએ દરવાજા ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતાં આખરે પોલીસે દરવાજા તોડયો હતો અને અંદરનું દ્રશ્ય જાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.

દરવાજા તૂટતા જ રૂમમાંથી દુર્ગંધ બહાર પ્રસરી ગઈ હતી. વહેપારી ચીમનભાઈનો મૃતદેહ પંખામાં ઈલેકટ્રીક વાયરના વાયરથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાવા મળ્યો હતો બે દિવસ જેટલો સમય થવાથી દુર્ગંધ મારવા લાગી હતી પોલીસે તેમનો મૃતદેહ નીચે ઉતારી તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મળેલા દસ્તાવેજના આધારે પોરબંદર રહેતા તેમના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે વહેપારીનો મૃતદેહ મળતાં તાત્કાલિક એફએસએલ સહિતના અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતાં.

સમગ્ર રૂમની તલાશી લેતા વહેપારીએ આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી જે પોલીસે કબજે કરી હતી. સ્યુસાઈડ નોટ પર તા.૧૧ દર્શાવવામાં આવી હતી તેથી વહેપારીએ ૧૧મી તારીખે આત્મહત્યા કરતા પહેલા આ સ્યુસાઈડ નોટ લખી હોવાનું પોલીસ માની રહી છે. સ્યુસાઈડ નોટની તપાસ કરતા તેમાં મૃતક ચીમનભાઈએ સ્પષ્ટપણે લખ્યુ છે કે તેઓ પોતાના અંગત કારણોસર આત્મહત્યા કરી રહયા છે અને તેમના પર દેવુ પણ વધી ગયું છે

આ ઉપરાંત અન્ય કેટલીક વાતો પણ તેમણે જણાવી છે. ચીઠ્ઠીમાં કરેલા લખાણથી માત્ર દેવુ જ કારણ નહી હોવાનું પોલીસ માની રહી છે બીજીબાજુ આ અંગેની જાણ થતાં જ ચીમનભાઈના પરિવારજનો અમદાવાદ દોડી આવ્યા હતાં પોલીસ વ્યથિત પરિવારજનોને ચીમનભાઈનો મૃતદેહ સોંપવાના છે હાલમાં પોસ્ટમોર્ટમની વિધી ચાલી રહી છે. આત્મહત્યાનું સાચુ કારણ જાણવા માટે પોલીસે ચીમનભાઈના પરિવારજનો પાસેથી પણ માહિતી એકત્ર કરી રહયા છે.


કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકરાણીએ આ અંગે ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહયા છે. બીજીબાજુ હોટલની રૂમમાંથી વહેપારીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળવાની ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને ચીઠ્ઠીમાં લખેલ લખાણના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આત્મહત્યા કરતા પહેલા વહેપારીએ લખેલી ચીઠ્ઠીમાં કેટલાક લાગણીસભર વાક્યો લખેલા છે જેનાથી પોલીસ ચોંકી ઉઠી છે અને માત્ર દેવુ જ આપઘાત માટેનું કારણ હોય તેવુ લાગતુ નથી જેના આધારે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.