UPSC જેવી સંસ્થાઓને ભાજપ બરબાદ કરી રહ્યું છેઃ મમતા

કોલકતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. યુપીએસસી અંતર્ગત યોજાનારી સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની પરીક્ષામાં બંગાળમા ં ચૂંટણીલક્ષી હિંસા અંગે પુછવામાં આવેલા સવાલને લઈને તેમણે ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
મમતાના કહેવા પ્રમાણે ભાજપ યુપીએસસી જેવી સંસ્થાઓને બરબાદ કરી રહ્યું છે. હકીકતે ૮ ઓગષ્ટના રોજ લેવાયેલી સીએપીએફની પરીક્ષામાં બંગાળમાં ચૂંટણીલક્ષી હિંસા અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
પરીક્ષામાં સવાલ હતો કે, ‘બંગાળ ચૂંટણી હિંસા પર આશરે ૨૦૦ શબ્દોમાં પ્રતિવેદન’ લખો. આ સવાલને લઈ ટીએમસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તે સિવાય પરીક્ષામાં કૃષિ કાયદા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો.
આ સવાલોને ભાજપના સવાલો ઠેરવીને મમતા બેનર્જીએ યુપીએસસી પર બરાબરનું નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, એક સમયે સંઘ લોક સેવા આયોગ નિષ્પક્ષ હોતું હતું. હવે તેના પ્રશ્નપત્રોમાં ભાજપા સવાલ આપી રહ્યું છે. યુપીએસસીના પેપરમાં બંગાળ પોસ્ટ પોલ વાયોલેન્સ અંગે સવાલ હતો. રાજકીય રીતે પ્રેરિત ખેડૂત આંદોલન અંગે સવાલ હતો. મમતાએ કહ્યું કે, ભાજપ યુપીએસસી જેવી સંસ્થાઓને બરબાદ કરી રહ્યું છે.