Western Times News

Gujarati News

ભારતનું એકમાત્ર આ સ્થળ છે જ્યાં રાત્રે ધ્વજ ફરકાવવામાં આવે છે

પૂર્ણિયામાં ૧૫મીની મદ્યરાત્રે ધ્વજ ફરકાવવામાં આવે છે -વાઘા બોર્ડર બાદ ભારતનું એકમાત્ર આ સ્થળ છે- જ્યાં આઝાદી બાદથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે

નવી દિલ્હી, ૧૫મી ઓગસ્ટના દિવસે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવે છે, દેશમાં વાઘા બોર્ડર બાદ બિહારના પૂર્ણિયા જિલ્લામાં સવારે નહીં પરંતુ ૧૫મી ઓગસ્ટની મદ્યરાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પૂર્ણિયામાં આ પરંપરા ભારત આઝાદ થયું ત્યારથી ચાલી રહી છે.

પૂર્ણિયાના લોકો ઝંડા ચોક વિસ્તારમાં ભેગા થાય છે અને ૧૨ઃ૦૧ મિનિટે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. સેંકડો લોકો આ ક્ષણના સાક્ષી બનતા હોય છે. નાના બાળકોથી લઈ મોટેરાઓ ‘ભારત માતા કી જય’ના નારા લગાવે છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

દિવસ હતો ૧૪ ઓગસ્ટ ૧૯૪૭નો પૂર્ણિયાના લોકો સવારથી આઝાદીના સમાચાર સાંભળવા માટે તલપાપડ હતા. ઝંડાચોક વિસ્તારમાં દિવસભર ‘મિશ્રા રેડિયો’ની દુકાન પર લોકોની ભીડ રહી હતી. રેડિયો સાંભળ્યો પરંતુ આઝાદીના સમાચાર ન આવતા લોકો નિરાશ થઈને ઘરે જતા રહ્યા.

તેવામાં રાત્રે ૧૧ કલાકે ઝંડા ચોક પર આવેલા મિશ્રા રેડિયોની દુકાન પર સ્વાતંત્ર્ય સેનાના જવાનો જેવા કે રામેશ્વર પ્રસાદ સિંહ, રામજતન સાહ, કમલદેવ નારાયણ સિન્હા, ગણેશચંદ્ર દાસ દુકાન પર પહોંચ્યા હતા. આ લોકોના આગ્રહ પર દુકાન ખોલવામાં આવી અને રેડિયો શરૂ કરવામાં આવ્યો. રેડિયો શરૂ કરતા જ માઉન્ટબેટનનો અવાજ સંભળાયો, ‘ભારત આઝાદ થયો છે તેવી જાહેરાત થઈ’ આ જાહેરાત સાંભળતા જ લોકો ખુશીથી ઉછળી પડ્યા.

તે સમયે ઝડપથી તિરંગો, વાંસ અને દોરડો મંગાવવામાં આવ્યો અને ૧૫મી ઓગસ્ટની મદ્યરાત્રે એટલે કે રાત્રે ૧૨ કલાકે રામેશ્વર પ્રસાદ સિંહે તિરંગો લહેરાવ્યો. એ જ રાતે તે વિસ્તારને ‘ઝંડા ચોક’ નામ આપવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ હાજર તમામ લોકોએ શપથ લીધા કે આ ચોક પર દર વર્ષે ૧૫ ઓગસ્ટની મદ્યરાત્રે દેશમાં સૌથી પહેલા ઝંડો ફરકાવવામાં આવ્યો.

પૂર્ણિયામાં ઝંડાચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની નૈતિક જવાબદારી હવે તેમનો પરિવાર નિભાવે છે. રામેશ્વર પ્રસાદના નિધન બાદ તેમના પુત્ર સુરેશકુમાર સિંહે ૧૫ ઓગસ્ટની મદ્યરાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરંપરા અનુસરી. હવે તેમના પૌત્ર વિપુલ કુમાર સિંહ ઝંડા ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરંપરા જાળવી રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.