અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર્ય દિનની આન, બાન અને શાન સાથે ઉજવણી

આઝાદીનો અમૃત મહોત્સવ: ૭૫મો સ્વાતંત્ર્ય દિન:’ હોસ્પિટલ પરિસરમાં ત્રિરંગાને લહેરાવીને કોરોના સામેની આઝાદીનો આશાવાદ વ્યક્ત કરતા આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરાવતાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે , કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ રાજ્યની અન્ય હોસ્પિટલો માટે મોડલ રૂપ સાબિત થઇ છે.
શ્રી મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને શ્રેષ્ઠ બનાવવા હાથ ધરવામાં આવેલી અનેકવિધ પહેલની રૂપરેખા આપી હતી. તેઓએ ગુજરાત રાજ્ય પ્રતિ મિલિયન કોરોના રસીકરણમાં સમગ્ર દેશમાં મોખરે હોવાનું જણાવીને વધુમાં વધુ જલ્દીથી કોરોના રસીકરણ કરાવીને કોરોના સામે સજ્જ બને તેવી અપીલ કરી હતી,.
આ પ્રસંગે તેઓએ કોરોના સામેની લડાઇમાં યોગદાન આપનારા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઇકર્મીઓ થી લઇ નામી-અનામી વીર શહીદોનું સ્મરણ કરીને તેમના બલિદાનને બિરદાવ્યું હતુ. તેઓએ કોરોનાકાળમાં રાત-દિવસ ખડેપગે રહીને દર્દીનારાયણની સેવા કરનાર તમામ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
સચિવશ્રીએ રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે તેવી આશા વ્યકત કરી હતી . અને જો કોરોનાની ત્રીજી લહેરનું રાજ્યમાં આગમન પણ થાય તો રાજ્ય સરકાર સંપૂર્ણપણે તેનો સામનો કરવા સજ્જ અને નાગરિકોના જીવ બચાવવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતુ.
સિવિલ હોસ્પિટલના ધ્વજવંજન કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, એડીશન મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી સહિત સિનિયર તબીબો તમામ વિભાગના વડાશ્રીઓ, નર્સિંગ સ્ટાફ સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા.