બાઇકને ટક્કર વાગતા યુવક ફૂટબોલની જેમ ફંગોળાઈ બસના ટાયર નીચે આવી ગયો

Files Photo
અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકથી ધમધતા માર્ગ પર બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરા પોલીસ ચોકી પાસે એસ.ટી.બસના ટાયર નીચે કચડાતાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.
બહેરામ પુરા વિસ્તારમાં અમૃતનગર-૨૨ની સામે શિવલાલ ખ્રિસ્તીની ચાલીમાં રહેતા રવિભાઇ હરીભાઇ માકવાણા (ઉ.વ.૨૫) ગઇકાલે રાતે ૮ વાગે મિત્રને બાઇક પર બેસાડીને જમાલપુર શાક માર્કટ ખાતે શાકભાજી લેવા માટે જતો હતો, જ્યાં બહેરામપુરા પોલીસ ચોકી પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે ભુલાભાઇ ચાર રસ્તા બાજુથી પૂર ઝડપે જી.એસ.આર.ટી.સી વોલ્વો બસ આવી રહી હતી.
યુવકને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ બસ મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા બાઇકને ટક્કર મારી હતી. જેથી યુવક બાઇક સાથે રોડ પર પટકાયો હતો અને યુવક ફંગોળાઇને એસટી બસના વ્હીલ નીચે આવી ગયો હતો. જેથી બસની ખાલી સાઇડનું ટાયર માથાના ભાગે ચઢી જતાં યુવકને આંખે ઇજા થઇ હતી અને કપાળનો ભાગ ફાટી ગયો હતો.