આઠ મહાનગરોમાં ૨૮મી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Files Photo
રાજ્યમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં હોવા છતાં તહેવારોની મોસમ આવી રહી હોઈ સરકારનો નિર્ણય
ગાંધીનગર રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર તો સમાપ્ત થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ૩૦ની ઉંપર નથી જઈ રહ્યો. આ સ્થિતિમાં પણ સરકાર કાચું કાપવા માંગતી નથી. આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા કરી અને કોરોના કર્ફ્યૂ એટલે કે રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
એટલે કે ૧૭મી ઑગસ્ટે સવારે ૬.૦૦ કલાકે સમાપ્ત થઈ રહેલો કર્ફ્યૂ ૨૮મી ઑગસ્ટ સુધી લંબાવાયો છે. ગૃહ વિભાગના જાહેરનામા મુજબ રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણની બાબતને ધ્યાને લેતાં પ્રવર્તમાન સ્થિતિની પુનઃ સમીક્ષા કરી અને રાજ્યના ૮ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂ ૨૮મી ઑગસ્ટ સુધી અમલમાં રહેશે.
આ રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાજા ૧૧.૦૦ વાગ્યાથી સવારે ૬.૦૦ વાગ્યા સુધીની રાખવામાં આવી છે. એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં છે તો બીજી બાજુ તહેવારોની મોસમ આવી રહી છે. આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જનમાષ્ટમીનો મોટો તહેવાર આવશે. આ વર્ષે જનમાષ્ટમીના તહેવાર પર ગત વર્ષની જેમ લોકમેળાના મોટા આયોજનો થવાના નથી છતાં લોકોના એકઠા થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
જનમાષ્ટમી અને રક્ષાબંધનની રજામાં લોકો હરવા ફરવાના સ્થળો પર પણ ભીડ કરશે તે શક્યતાઓ છે. આમ સરકાર આ સ્થિતિમાં કોઈ કચાશ રાખવા માંગતી નથી. એક તરફ એઇમ્સ સહિત દેશના એકસ્પર્ટ ઑગસ્ટના અંતમાં ત્રીજી લહેર ખાબકે તેવી ભીતિ જતાવી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં સરકાર રાત્રિ કર્ફ્યૂમાંથી રાહત આપવાની સ્થિતિમાં નથી. મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ ર્નિણય કરવા સાથે અન્ય પણ કેટલાક ર્નિણયો કર્યા છે.