નજીવી બાબતે સગાભાઈએ બોટલ માથામાં મારી ભાઈની હત્યા કરી

પ્રતિકાત્મક
અમદાવાદમાં બે ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો ! -ગેસની બોટલ માથામાં મારી ભાઈએ જ ભાઈની હત્યા કરી
સામાન્ય બોલાચાલીમાં ૩૬ વર્ષીય યુવકે તેના ભાઈને ગેસની બોટલ મોઢાના ભાગે મારતા મોત નિપજ્યું હતું
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી પકડાયાએ નથી ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો.
બાદમાં રવિવારે મણિનગરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો બનાવ બનતા પૂર્વ વિસ્તાર જાણે કે લોહિયાળ બન્યો છે. ૩૬ વર્ષીય યુવકની તેના ભાઈએ જ ગેસ રિફિલ માથા અને મોઢાના ભાગે બોલાચાલી થતા મારી દેતા મોત નીપજ્યું હતું. આરોપીએ ૧૦૮ને જાણ કરી તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની ઉભી કરી પણ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતા જ ગણતરીના સમયમાં હત્યા થઈ હોવાનું બહાર લાવી આરોપીની ધરપકડ કરી છે.
મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા ૩૬ વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.
બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશ ને ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા ગયો હતો. તે વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો (રીફીલ) લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો.
જેના કારણે સુભાષ મધુકર ગોગવલે ના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં આરોપી નિલેશએ જ ૧૦૮ ફોન કર્યો હતો. ૧૦૮ની ટીમ પહોંચી તો સુભાષનું મૃત્યુ થયું હતું. નિલેશએ તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો.
પણ બીજીતરફ ૧૦૮એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસે ઉલટ પૂછપરછ કરતા નિલેશ એ તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મણિનગર પોલીસસ્ટેશન ના પીઆઇ ભરત ગોયલ એ જણાવ્યું કે આરોપી નિલેશ ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુભાસ કોઈ કામધંધો કરતો ન હતો.