મેઘાલય: મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ ગૃહમંત્રીનું રાજીનામુ

શિલોંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ પર રવિવારે રાતે અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. પોલીસે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઘટના રવિવારે રાતે લગભગ સવા ૧૦ વાગે બની હતી. જ્યારે વાહન પર સવાર થઈ આવેલા અસામાજિક તત્વોએ ઉપર ના શિલાંગના થર્ડ માઈલમાં સ્થિત મુખ્યમંત્રીના નિવાસના પરિસરમાં પેટ્રોલથી ભરેલી બોટલ ફેંકી હતી. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
અધિકારીએ કહ્યું કે પહેલી બોટલ પરિસરના આગલા ભાગમાં, જ્યારે બીજી બોટલ પાછળના ભાગમાં ફેંકવામાં આવી હતી. ચોકીદારે તાત્કાલીક આગ બુઝાવી હતી. સ્વતંત્રતા દિવસ પર રાજ્યની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં તોડફોડ અને આગની ઘટના બાદ રાજ્ય સરકારે શિલોંગમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો અને ઓછામાં ઓછા ૪ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન મેઘાલયે ગૃહ મંત્રી લખમેન રિંબુઈએ શિલોંગમાં એક પૂર્વ ઉગ્રવાદીને પોલીસ દ્વારા ગોળી મારવાની ઘટનાની વચ્ચે રાજીનામુ આપ્યું છે.
રિંબુઈએ મુખ્યમંત્રીને આત્મસમર્પણ કરનારા પ્રતિબંધિત હાઈનીવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સ્વયંભૂ મહાસચિવ ચેરિસ્ટર ફીલ્ડ થાંગખિયૂને ગોળી મારવાના મામલામાં ન્યાયિક તપાસ કરવાનો આગ્રહ કર્યો. થાંગખિયૂની ૧૩ ઓગસ્ટે ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. જ્યારે તે રાજ્યમાં થયેલા તબક્કાવાર આઈઈડી વિસ્ફોટના સંબંધમાં તેના ઘરમાં પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી. ત્યારે તેણે પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો.HS