લીવ ફોર ધ નેશન,નેશન ફર્સ્ટ સૂત્ર આપી રાજ્યમાં ૫ લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી

જુનાગઢ, ૭૫ માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ રોડ પર પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી રાજ્યને સંબોધન કર્યુ હતું. સીએમ રૂપાણીએ ”લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’નું સૂત્ર આપી રાજ્યમાં ૫ લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી.
સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે વિજય રૂપાણી જૂનાગઢ ખાતે બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યુ હતું. ધ્વજ વંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી. રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ, મુખ્ય અધિક સચિવ સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.ધ્વજ બાદ રૂપાણીએ નાગરિકોને સંબોધતા ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’ નું સૂત્ર આપી લોકોને દેશહિતમાં કામ કરવા કહ્યું હતુ.
સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે મુખ્યમંત્રીએ ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરાનો પોલીસ સિસ્ટમમાં સમાવેશ કર્યો હતા વિજય રૂપાણી નાગરિકોને સંબોધતા જણાવ્યુ હતુ કે, આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું. રૂપાણીએ પોતાના સંબોધનમાં વેક્સિનેશન પર ભાર મુકતા કહ્યું હતુ કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતન મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં ૪ કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું. વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ૫ લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ ૧૫ કરોડ મંજૂર કરાયા છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યના ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં ૩૦ના બદલે ૫૦ હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.HS