બેકાબૂ ટ્રકે બાઈકને અડફેટે લેતાં યુવતીનું કરુણ મોત
રાજકોટ, રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બેકાબૂ ટ્રકે બાઈકને અડફેટે લેતા ૨૩ વર્ષીય યુવતીનું મોત થયું છે, જ્યારે બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સિગ્નલ પર રેડ લાઈટ હોવા છતાંય ટ્રક ચાલકથી બ્રેક ના લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરીને ગંભીર રીતે ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ ૧૫મી ઓગસ્ટે રાતે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજ તેમની મંગેતર દ્રષ્ટિ બાઈક પર ઘરે મુકવા જતો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
અકસ્માત સર્જાયા દ્રષ્ટિ ટ્રકના ટાયરમાં ફસાઈ જતાં પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જેમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ૨૩ વર્ષીય મૃતક યુવતી દ્રષ્ટિ પરમારની રાજ વાઘેલા નામના યુવક સાથે એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતા. હાલ યુવતીના મોતને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.SSS