રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વાતો કરતા નેતાઓ ગુનેગારને કેમ પસંદ કરે છે?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી આર. એફ. નરીમાન અને જસ્ટીસ શ્રી બી. આર. ગવાઇએ સંસદ સભ્યો, ધારાસભ્યો સામેના વિલંબિત કેસોનો નિકાલ કરવા હાઇકોર્ટના એડવોકેટ જનરલને આદેશ કર્યો જેનું નિરીક્ષણ હવે સુપ્રીમ કોર્ટની ખાસ બેંચ કરશે!!
તસવીર અમેરિકાની સંસદની છે બીજી તસવીર ભારતની સંસદ ની છે અમેરિકામાં ૫૦ રાજ્યો છે! ત્યાં પણ ધારાસભ્યો ચૂંટાય છે અમેરિકામાં સેનેટ સભ્યો ચૂંટાય છે અને પોતાના પ્રમુખને ચૂંટે છે ત્યારે ચારિત્ર્યશીલતા નું પ્રથમ ધ્યાન પ્રજા રાખે છે જ, પણ સાથે પ્રમુખનું આરોગ્ય સંપૂર્ણ તંદુરસ્ત છે કે નહીં એ પ્રથમ જાેવાય છે!
ને શારીરિક સંપૂર્ણ તંદુરસ્ત પ્રમુખને ચૂંટવામાં આવે છે! પ્રમુખ ફક્ત આઠ વર્ષ માટે પદ પર રહી શકે છે! અમેરિકાની સુપ્રીમ કોર્ટે એવું કહેવું નથી પડતું કે હવે રાજકારણ માંથી ગુનાખોરી નાબૂદ કરો! પ્રમુખ બીલ ક્લિન્ટન સામે મોનિકા લેવેન્સ્કિ સેક્સ કૌભાંડ અંગે અમેરિકામાં મહાભિયોગની કાર્યવાહી થઈ હતી!
અને વોટરગેટ કૌભાંડમાં નિકસને રાજીનામું આપવું પડ્યું હતું! અમેરિકાની પ્રજા આવા અપરાધો ચલાવી લેતી નથી, ત્યારે ભારતમાં આટલા બધા ધારાસભ્યોને આટલા બધા સંસદસભ્યો સામે ગુનાખોરીનો આક્ષેપ હોય ત્યારે રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વાતો કરનારા નેતાઓ કઈ રીતે અપરાધીઓને ટિકિટ આપે છે?
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટિસ શ્રી આર. એફ. નરીમાન, જસ્ટિસ શ્રી બી.આર. ગવાઇ ની બેન્ચે જરૂરી આદેશો કરીને દેશના ગૌરવવંતો ઈતિહાસ રચવામાં મહત્ત્વની ભૂમિકા પ્રદાન કરી છે. આમાંથી સમજવાનું અને શીખવાનું છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
ફ્રાન્સના પાંચમા ગણરાજ્યના સ્થાપક ચાર્લ્સ દ ગોલે સરસ કહ્યું છે કે ‘‘અમે રાજકારણીઓ જે બોલીયે એમાં જરાય માનતા નથી હોતા, એટલે જ્યારે લોકો અમારી વાત માની લે છે ત્યારે જબરું આશ્ચર્ય થાય છે’’!! જ્યારે અમેરિકાના રાજકીય વિશ્લેષક અને પત્રકાર થિયોડોર એચ. વ્હાઇટે કહ્યું છે કે ‘‘આજના રાજકારણમાં નાણાંનો ધોધ વહે છે
એ લોકશાહીમાં ફેલાયેલા પ્રદૂષણ ને પાપે છે’’!! ભારતની સુપ્રીમકોર્ટે ગુના ની વિગત જાહેર ન કરનારા રાજકીય પક્ષોને દંડ ફટકારી રાજકારણમાં અપરાધીકરણ રોકવાનો આદેશ ચૂંટણીપંચને પણ આપી દીધો હોવાનું મનાય છે અને રાજકારણ માં પડેલા અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ટિકિટ આપી સત્તા ની સાધના કરતા દેશના નેતાઓ ની પણ આકરી ઝાટકણી કાઢી છે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે જેમાં જસ્ટીસ શ્રી રોહિગ્ટન ફલી. નરીમાન અને જસ્ટિસ શ્રી બી.આર. ગવાઈની બેન્ચે કડક નિર્દેશ પણ આપ્યો છે!
ચૂંટણી પંચ અલગ સેલ બનાવે જેથી રાજકીય પક્ષો પર દેખરેખ રાખી શકાય અને કોઈ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરે તો ચૂંટણી પંચ તેની માહિતી કોર્ટ ને આપે તો કોર્ટ કડક કાર્યવાહી કરશે! તમામ હાઇકોર્ટ રજિસ્ટ્રાર જનરલને પણ પોતાના ક્ષેત્રના સંસદસભ્યો અને ધારાસભ્યો વિરુદ્ધના કેસોનો ઝડપી નિકાલ કરવા આદેશ કર્યો છે
જેનું અવલોકન અને પરીક્ષણ ભારતની સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચ કરશે- ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી આર. એફ. નરીમાન, જસ્ટીસ શ્રી બી.આર. ગવાઇ
રશિયાના સામાજિક ક્રાંતિકારી નેતા વ્લાદિમીર લીચ લેનિને કહ્યું છે કે ‘‘રાજકારણમાં નૈતિકતા જેવું કંઇ હોતું નથી એમાં તો બદમાસ પણ તેની બદમાસી ને લીધે કામનો હોઈ શકે છે’’!! ભારતમાં ઘણા સમયથી હવે ન્યાયતંત્રે પોતાની સત્તા વધારે કડકાઈથી વાપરવાનું શરૂ કર્યું છે
અને દેશમાં કથિત અપરાધીઓ ચૂંટાય અને સંસદમાં કેટલા અપરાધો માં સંડોવાયેલા એ સંદર્ભમાં કાયદાઓ ઘડે તો કેટલું હાસ્યાસ્પદ અને ગંભીર લાગે એટલું જ નહીં આવા કથિત ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા સંસદસભ્યો અને ધારાસભ્યોને દેશના રાષ્ટ્રપતિ અને દેશના વડાપ્રધાન પણ ચુટે ત્યારે વિશ્વ માં ભારતની છાપ કેટલી ખરડાય?
‘સત્તા’ માટે ગમે તે કક્ષાએ જતા નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રોકવા આખરે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટિસ શ્રી રોહિગ્ટન ફ્લી. નરીમાન અને જસ્ટીસ શ્રી બી.આર.ગવાઈની ખંડપીઠે કેટલાક મહત્વપૂર્ણ આદેશો જારી કરીને ચૂંટણીપંચને પણ પોતાની ભૂમિકામાં સ્પષ્ટ રહેવા આદેશ આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ઉમેદવારની પસંદગી ના ૪૮ કલાકમાં તેની વિગત જાહેર થવી જાેઈએ
કોઈ પણ સરકાર હાઇકોર્ટની મંજૂરી વગર કોઈપણ સંસદ સભ્ય કે ધારાસભ્ય વિરુદ્ધ ના કેસો પરત લઇ શકશે નહીં!! તમામ હાઇકોર્ટ રજિસ્ટ્રારને પણ આદેશ કરાયો છે કે પોતાના ક્ષેત્રના સંસદ સભ્યો ધારાસભ્યો વિરૂદ્ધ કેસોનો ઝડપી નિકાલ કરે અને તેની વિગત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ને પહોંચાડવામાં આવે આવા કેસોની સુનાવણી ચાલુ રહેવી જાેઈએ
અને આવા કેસના અવલોકન અને નિરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટે ખાસ બેંચની રચના કરવાનો પણ સંકેત આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને દંડ ફટકારીને ‘રૂક જાઓ’ માટે હળવી સજા ફટકારી છે! પરંતુ હવે લાગે છે ભારતને બચાવવામાં દેશની પ્રજાએ પણ સુપ્રીમ કોર્ટ સાથે જાેડાવવું પડશે! ફક્ત સોશિયલ મીડિયા પર ટીકા કરવાથી દેશનું કોઈ ભલું થવાનું નથી