Western Times News

Gujarati News

૧૦ ફૂટ લાંબા મગરનાં મોત બાદ શહેરીજનોની શોકસભા

If you shout the name, the crocodile comes out of the water:

પ્રતિકાત્મક

વડોદરા, શહેરની વિશ્વામિત્રી નદીનો ઘાટ પંડિત દ્વારા બોલાતા સંસ્કૃત શ્લોકોથી ગૂંજી ઉઠ્‌યો હતો. સેંકડો વડોદરાવાસીઓ પણ ત્યાં ભેગા થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. આ બધું કોઈ માણસ માટે નહોતું. આશરે એક અઠવાડિયા પહેલા વિશ્વામિત્રી નદીમાંથી મૃત હાલતમાં મળી આવેલા ૧૦ ફૂટ લાંબા મગર માટે વન્યજીવ કાર્યકરોએ પહેલીવાર શોકસભાનું આયોજન કર્યું હતું. છેલ્લા બે મહિનામાં મૃત્યુ પામનાર આ ચોથો મગર હતો. તે અમારા પરિવારના સભ્ય જેવો હતો અને વર્ષોથી અહીંયા રહેતો હતો. નદીની મુલાકાત લેતી વખતે ઘણીવાર અમે તેને જાેયો હતો. તેના અચાનક દુઃખથી અમને પીડા પહોંચી છે અને તેથી અમે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભા કરવાનું નક્કી કર્યું હતું. શહેરીજનોને તેમાં ઉપસ્થિત રહ્યા તે જાેઈને વધારે સારું લાગ્યું હતું’, તેમ વન્યજીવ કાર્યકર વિશાલ ઠાકુરે જણાવ્યું હતું, જેમણે સંજય સોની સાથે મળીને રવિવારે શોકસભાનું આયોજન કર્યું હતું.

સ્થળ પર મગરનો ફોટો રાખવામાં આવ્યો હતો અને સભામાં ઉપસ્થિત રહેનારા શહેરીજનોએ તેને ફૂલોથી શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૦મી ઓગસ્ટે સયાજીગંજ પાસેની નદીમાંથી ૧૫૦ કિલો વજન ધરાવતો મગર મળી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ ચાર મગરના મૃત્યુ પાછળનું કારણ શોધવા માટે તપાસ ગોઠવી હતી. ‘ગીરના જંગલમાં જાે કોઈ એશિયાઈ સિંહનું મોત થાય તો, ગ્રામજનો શોક વ્યક્ત કરે છે. વડોદરાવાસીઓએ ઘણા દશકાઓથી મગર સાથે રહે છે પરંતુ કેટલા ખરેખર તેમની સંભાળ રાખે છે? હકીકતમાં, ઘણા લોકો નદીમાં કચરો ઠાલવે છે. અમે નદી તેમજ મગરને બચાવવા માટે શહેરજનોને સામેલ કરવા પણ સભા યોજી હતી’, તેમ ઠાકુરે જણાવ્યું હતું. મગરની શોકસભામાં ઉપસ્થિત રહેનાર પાર્થ બ્રહ્મભટ્ટ નામના શહેરીજને કહ્યું હતું કે, ‘વિશ્વામિત્રી નદીએ સેંકડો મગરનું ઘર છે તેના વિશે હું જાણુ છું પરંતુ મને લાગ્યું હતું કે તે આપણી વચ્ચે રહેતા બીજા સરિસૃપ છે.

સભા દરમિયાન મને જાણવા મળ્યું હતું કે, મગર કેવી રીતે આપણી ઈકો-સિસ્ટમ માટે મહત્વના છે અને આપણી જેમ તેમને પણ પરિવાર હોય છે. હવેથી હું મગરને સુરક્ષિત રાખવા માટેના અભિયાનમાં ભાગ લઈશ’. કેટલાક વન્યજીવ પ્રેમીઓેએ પ્રસ્તાવ મૂક્યો હતો કે, મૃતક મગરનું નામ આપણા સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેના નામ પર રાખવું જાેઈએ. ‘જેમ મંગલ પાંડેના મૃત્યુથી આખા દેશમાં ક્રાંતિ આવી, તેમ મગરનું મોત પણ લોકોને અંદરથી હલાવી દેશે અને અધિકારીઓને કાર્યવાહી કરવા માટે મજબૂર કરશે’, તેમ સયાજીગંજના નદી કિનારે રહેતા સોનીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ઘણા મગર નદીમાંથી બહાર આવી જાય છે પરંતુ આજ સુધી ક્યારેય તેમણે લોકો પર હુમલો કર્યો નથી કારણ કે તેઓ શાંતિથી લોકો સાથે રહેવાનું શીખી ગયા છે. આવનારા મહિનાઓમાં ઠાકુર અને સોની શાળાઓ તેમજ કોલેજમાં મગર વિશે જાગૃકતા ફેલાવવા માટે અભિયાન પણ શરુ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.