શહેરમાં પાંચ જીમ્નેશીયમનું ખાનગીકરણ થશેઃ નાગરીકોએ દસ ગણી વધુ ફી ભરવી પડશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે બાબત સમયાંતરે પૂરવાર થી રહી છે. મ્યુનિ. તંત્ર દ્વારા રૂા. ચાર કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ૪૦ ટેનિસ કોર્ટ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવા માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. માત્ર સૈદ્ધાંતિક મંજુરીની જ રાહ જાેવામાં આવી રહી છે. તેવી જ રીતે કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલી જીમ્નેશીયમા પણ ખાનગીકરણ થઈ રહ્યા છે. જેને “PPP”નું નામ આપવામાં આવી રહ્યું છે.ચોકાવનારી બાબતએ છે કે મ્યુનિ. કોર્પોરેશનની જમીન અને નાણામાંથી તૈયાર થયેલા જીમ્નેશિયમ ના દર ખાનગી જીમ જેટલા કે તેથી વધુ રહે તેવી શક્યતા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકો અને વહીવટતંત્ર દ્વારા વોર્ડ દીઠ જીમ્નેશીયમ અને ટેનિસ કોર્ટના કામ કરવામાં આવી રહ્યા છે. પ્રજાના નાણામાંથી તૈયાર થતા જીમ્નેશીયમ કે ટેનિસ કોર્ટ બની ગયા બાદ રાજકીય કોન્ટ્રાકટરો કે સંસ્થાને ચલાવવા આપવામાં આવે છે તેથી શહેરીજનોને આ સુવિધા રાહતદરે ઉપલબ્ધ થતી નથી. મ્યુનિ.રીક્રીએશન કમીટી સમક્ષ ૧૫ દિવસ અગાઉ ૪૦ ટેનિસ કોર્ટ ખાનગી સંસ્થાઓને ચલાવવા આપવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલા ટેનિસ કોર્ટ પેટે તંત્રને મહીને અત્યંત નજીવી રકમ મળતી હતી. જે અંગે ઉહાપોહ થતા મ્યુનિ.શાસકો દ્વારા ફરીથી ટેન્ડર મંગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રજા આ કૌભાંડ ભુલે તે પહેલા જ શાસકોએ જીમ્નેશીયમ માટે તખ્તો તૈયાર કર્યો છે.
મ્યુનિ.રિક્રિએશન કમીટી ચેરમેન રાજુભાઈ દવેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે હાલ પાંચ સ્થળે નવા જીમ્નેશીયમ બની રહ્યા છે. શહેરના સરખેજ, જાેધપુર, ગોતા,નારણપુરા અને થલતેજ વિસ્તારના નવા જીમ્નેશીયમ ખાનગી કોન્ટ્રાક્ટરોને પાંચ વર્ષ માટે આપવામાં આવશે. જેને PPP મોડેલ કહેવામાં આવશે. નવા જીમ્નેશિયમ માટે વાર્ષિક ભાડુ ઓછામાં ઓછું રૂા. બે લાખ રહેશે.તેનાથી વધુ રકમ આપનાર કોન્ટ્રાકટરને પાંચ વર્ષ માટે જીમ્નેશીયમ ચલાવવા માટે અપાશે. જીમ્નેશીયમમાં કસરતના સાધનો કોન્ટ્રાકટર દ્વારા મૂકવામાં આવશે. કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ સાધનો પરત લઈ જવામાં આવશે. મ્યુનિ. તંત્ર દ્વારા જીમની ફી નક્કી કરવામાં આવશે. નોન એ.સી.જીમ માટે માસિક રૂા. ૫૦૦ તથા એસી.જીમ માટે માસિક રૂા.૧૦૦૦ સુધીની ફી રાખવામાં આવી શકે છે. જે સભ્યને પર્સનલ કોચીંગની ઇચ્છા હશે તેમણે દર મહીને રૂા. એક હજાર અલગથી આપવાના રહેશે. મ્યુનિ.કોર્પોરેશન હસ્તક ૪૦ જીમ્નેશીયમ કાર્યરત છે. જેમાં સભ્ય ફી પેટે માલિક રૂા.૫૦થી ૧૫૦ સુધી લેવામાં આવે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ.કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મ્યુનિ.કોર્પાેરેશનના નાણાંમાંથી બનાવવામાં આવેલા જીમ્નેશીયમ કોન્ટ્રકટરોને સોંપી પ્રજાને લૂંટવા માટેનો કારસો ઘડવામાં આવી રહ્યો છે. જે જીમ્નેજીયમમાં રૂા.૫૦ની ફી છે તેના બદલે રૂા.૫૦૦થી રૂા.૧૦૦૦ વસૂલ કરવામાં આવશે. મ્યુનિ.શાસકો વિકાસ વિકાસના નામે માત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તથા પ્રજાના ભોગે તેમના મળતીયાઓને ફાયદો કરાવી રહ્યા છે. તંત્ર દ્વારા શીડ્યુલ મુજબ જગ્યાઓ ભરવામાં આવતી નથી. તેમજ નવા વિસ્તાર અને વસ્તી મુજબ શિડ્યુલ બનાવવામાં આવતા નથી. તેથી સ્ટાફ ઓછો હોવાના કારમો દર્શાવી રાજકીય કોન્ટ્રાકટરોને લાભ કરાવી રહ્યા છે. જ્યારે પ્રજા પાસેથી પાંચથી દસ ગણી વધુ રકમ વસુલ કરી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.