દાણીલીમડામાં વેપારીને ગન બતાવી પાંચ લાખની ખંડણી માંગનાર ઈસમની ધરપકડ
વેપારીએ ડરના માર્યા બે લાખ રૂપિયા આપી દીધા હતા
(પ્રતિનિધિ)અમદાવાદ, વેપારીઓને ધમકી આપી ખંડણી માંગવાનાં કિસ્સા હાલમાં વધ્યાં છે ત્યારે દાણીલીમડામાં પણ એક વેપારીને ગન બતાવી પરીવારને મારી નાંખવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગણી કરનાર ઈસમ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ગભરાયેલા વેપારીએ બે લાખ રૂપિયા ખંડણીખોરને આપી દીધા બાદ પરીવારને વાત જણાવ્યા બાદ પોલીસ પાસે પહોંચ્યા હતાં.
પોલીસે તુરંત કાર્યવાહી કરતાં ખંડણીખોરને ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રીજવાન પટેલ (નવાબ રેસીડેન્સી, શાહ આલમ) જમાલપુર ફુલબજાર ખાતે ફુલ દુકાન ધરાવે છે. ગઈ ૨૬ જુનની સાંજે સાડા પાંચ વાગ્યાનાં સુમારે તેમને અજાણ્યા ઈસમે તેમને ફોન કરી હું શોયેબનો સાળો સમીર બોલું છું અને જમીન બાબતે વાત કરવી છે તેમ કહીને સુએઝ ફાર્મ રોડ ગુલાબનગર ચાર રસ્તા નજીક રેહાન મસ્જીદ પાસે મળવા બોલાવ્યા હતા.
રીજવાનભાઈ ત્યાં જતાં બેસીને વાતચીત કરવાનું કહી સમીર અને તેનો સાગરીત નજીકમાં આવેલાં ગોડાઉનમાં લઈ ગયા હતા. જ્યાં જતાં જ સમીરે કડકાઈથી વાત શરૂ કરી તે તારા સંબંધીના હક્ક લખાવી લીધા છે અને પૈસા આપતો નથી તેમ કહી તેમના તથા પત્ની અને બાળકીની સલામતી જાેઈતી હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેવા કહ્યું હતું.
જાે કે રીજવાનભાઈએ ઈન્કાર કરતાં તેણે ગન બતાવી ડરાવ્યા હતા. બાદમાં રૂપિયાની વ્યવસ્થા કરવાનાં બહાને રીજવાનભાઈ ત્યાંથી નીકળી ગયા બાદ મોડી સાંજે સમીરે ફરી ફોન કરતાં રીજવાનભાઈએ દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મળીને તેને બે લાખ રૂપિયા આપ્યા હતા.
અને બીજા દિવસથી ફરી બાકીના રૂપિયા માટે ફોન અને મેસેજ કરીને ધમકીઓ આપવા લાગ્યો હતો. જેથી રીજવાનભાઈએ સંબંધીને વાતચીત કરી હતી. આ બાબતે તેમણે મંગળવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ સમીર મુનાવરખાન પઠાણને તેનાં જમાલપુર ખાતેનાં ઘરેથી ઝડપી લીધો હતો. સમીર અગાઉ ત્રણ દરવાજા ખાતે રહેતો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.