પાકિસ્તાનની નજીક અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહેલા લોકો પર ફાયરિંગ

ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઘણા વિસ્તારોમાં તાલિબાનનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ આવા લોકોને ગોળીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની ઘટના પાકિસ્તાનને અડીને આવેલા અફઘાનિસ્તાન પ્રાંત કુનારની રાજધાની અસાદાબાદની છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં નીકાળવામાં આવી રહેલી રેલીમાં લોકો અફઘાનનો ધ્વજ લહેરાવી રહ્યા હતા. તાલિબાનોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ હિંસામાં ઘણા લોકોના મોત થયા છે.
તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ તાલિબાન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું- ‘તમામ દેશોએ કાનૂની ધોરણોનું સન્માન કરવું જાેઈએ, હિંસાનું નહીં, અફઘાનિસ્તાન એટલું મોટું છે કે પાકિસ્તાન એને ગળી શકે તેમ નથી કે તાલિબાન તેના પર શાસન કરી શકે તેમ નથી. અમાનવીયતાં અને આતંકવાદીઓ સામે શરણે થવાના પ્રકરણને તમારા ઇતિહાસમાં ઉમેરાવા ન દો.
સાલેહે એમ પણ કહ્યું છે કે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવનારા અને દેશના સન્માન માટે આગળ આવનારાઓને સલામ કરે છે. સાલેહનું આ નિવેદન જલાલાબાદની ઘટના બાદ આવ્યું છે, કારણ કે ગુરુવારે જલાલાબાદ સહિત કેટલાક વિસ્તારોમાંથી અફઘાન ધ્વજ લહેરાવતી તસવીરો સામે આવી હતી.
અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે નહીં, પરંતુ વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હવે તેમણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે અને લોકોને એરપોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ અટકાવવામાં આવી રહ્યા છે. માત્ર વિદેશીઓને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી રહેલા તાલિબાનોએ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તાલિબાન નેતા વહીદુલ્લાહ હાશિમીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ લોકશાહી વ્યવસ્થા રહેશે નહીં, કારણ કે અહીં એનું કોઈ અસ્તિત્વ જ નથી. હાશિમીએ સમાચાર એજન્સી રોઇટર્સને કહ્યું હતું કે તાલિબાને એ જતાવવાની કોઈ જરૂર નથી કે અફઘાનિસ્તાનની સરકાર કેવી હશે, કારણ કે એ એકદમ સ્પષ્ટ છે કે અહીં શરિયા કાયદો જ ચાલશે.HS