તાલિબાન કાબુલ એરપોર્ટ પહોંચતાં પહેલાં જ અફઘાનોને રોકી રહ્યા છે

કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે નહીં, પરંતુ વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હવે તેમણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે અને લોકોને એરપોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ અટકાવવામાં આવી રહ્યા છે. માત્ર વિદેશીઓને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી રહેલા તાલિબાનોએ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન દાવો કરી રહ્યું છે કે તે ક્રૂરતા બતાવશે નહીં, પરંતુ તેની વાસ્તવિકતા સામે આવી રહી છે. એમાં એવી તસવીરો સામે આવી રહી છે કે તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યા છે. હવે લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. સામાન્ય અફઘાની લોકો માત્ર એરપોર્ટ ગેટ સુધી પહોંચી શકે છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે ફરી ફાયરિંગ થયું. જાેકે એવું કહેવામાં આવી રહ્યું છે અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
કાબુલ એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ છે. અમેરિકા તેના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. જ્યારે અફઘાનિસ્તાનથી હજારો લોકો પણ ત્યાંથી બહાર નીકળવા માટે કાબુલ એરપોર્ટ પહોંચી રહ્યા છે, પરંતુ તાલિબાન તેમને ગેટ પર જ રોકી રહ્યું છે. એવા અહેવાલો પણ છે કે કેટલીક મહિલાઓ પોતાનાં બાળકોને કાંટાળા તારની દીવાલ ઉપર એરપોર્ટની તરફ ઉતારી રહી છે, જેથી બીજી બાજુ અમેરિકન સૈનિકો તેમને લઈ શકે અને તેઓ એરપોર્ટની અંદર પહોંચી જાય. તાલિબાને અફઘાન સેનાના ૪ કમાન્ડરને કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૫ ઓગસ્ટના રોજ બની હતી. ૧૩ ઓગસ્ટના રોજ આ કમાન્ડરોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.તાલિબાન સમર્થકોએ કંદહારના શાહ વાલી કોટના પોલીસવડા પાચા ખાનની પણ હત્યા કરી છે.HS