મહારાષ્ટ્રમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવશે: ફડનવીસ
મુંબઈ, ભારતીય જનતા પાર્ટી ના નેતા દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા કહ્યું કે શિવસેના સાથે ગઠબંધનમાં રહેવાના કારણે તેમની પાર્ટી અગાઉ પોતાના રાજનીતિક સમર્થનના આધારનો વિસ્તાર કરી શકતી નહતી. પરંતુ ગઠબંધન તૂટતા આગામી ચૂંટણી બાદ પાર્ટી પોતાની સરકાર બનાવશે. વિધાનસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે હવે જ્યારે શિવસેનાએ ભાજપ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે અને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી છે ત્યારે ભાજપ પાસે રાજ્યમાં પોતાના આધાર વિસ્તારની સોનેરી તક છે.
પુણે જિલ્લાથી શિવસેના નેતા આશા બુચાકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા. ફડણવીસ આ અવસરે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ પહેલા રાજ્યમાં વિસ્તાર કરી શકી નહીં કારણ કે તે ગઠબંધનમાં હતી. હવે ત્રણ પક્ષ સત્તામાં છે અને ભાજપ પાસે રાજ્યમાં પોતાના આધાર વિસ્તારની સોનેરી તક છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી (૨૦૨૪ સંભવિત) બાદ ભાજપ પોતાના દમ પર સરકાર બનાવશે. ફડણવીસે કહ્યું કે સત્તાધારી ત્રણેય પાર્ટીઓનો દમ ઘૂટી રહ્યો છે. સત્તાધારી ગઠબંધવાળા પક્ષ (શિવસેના) ના નેતા આશા બુચાકેનું ભાજપમાં સામેલ થવું સ્વાગત યોગ્ય છે.
નોંધનીય છે કે ભાજપ અને શિવસેના વચ્ચે પહેલીવાર ૧૯૮૦ના દાયકામાં મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન થયું હતું. ત્યારબાદ ૨૦૧૪માં ગઠબંધન થોડા સમય માટે તૂટ્યું અને બંને પાર્ટીઓએ પોતાના દમ પર ચૂંટણી લડી. ૨૦૧૪માં જ શિવસેના ફરીથી ભાજપ સાથે જાેડાઈ અને ગઠબંધને ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. બંને પક્ષોએ ફરીથી ૨૦૧૯માં સાથે મળીને વિધાનસભા ચૂંટણી જીતી પરંતુ સત્તામાં ભાગીદારીને લઈને શિવસેનાએ પોતાનો રસ્તો અલગ કરી લીધો અને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી.HS